Gujarat Weather: ગુજરાતમાં શિયાળાની જમાવટ થાય તે પહેલાં જ કુદરતે મિજાજ બદલ્યો છે. રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં મોટા પલટાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
કેમ સર્જાઈ વરસાદી સ્થિતિ?
હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, વાતાવરણમાં આ ફેરફાર પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે:
•વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર ભારત તરફ સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે.
•ભેજનું પ્રમાણ: બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને દિશામાંથી ભેજયુક્ત પવનો રાજ્ય તરફ વળ્યા છે.
•સાયક્લોનિક સર્ક્યુલેશન: વાતાવરણના ઉપરના સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન અને નીચા દબાણની રેખા સર્જાતા વાદળોની ઘનતા વધી છે, જે માવઠાની સ્થિતિ પેદા કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોની અવર-જવરની ટાઈમિંગ બદલાઈ
ઠંડીમાં ઘટાડો: લઘુત્તમ તાપમાન ઊંચકાયું
વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી છે. આ દરમિયાન ગત રાત્રિના અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાજ્યમાંથી અન્યત્ર નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.2, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6, સુરત-ભુજમાં 15.7 ડિગ્રી સરેરાશ લધુ્ત્તમ તાપમાન નોંધાયું હતું.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
શિયાળુ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે અચાનક વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરું, રાયડો અને ઘઉં જેવા પાકોને માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


