જામનગર પોલીસ સ્ટેશનમાં પહોંચીને ગુનો દાખલ કરાવ્યો : ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં ક્ષોભજનક ફોટા અને વીડિયો અપલોડ કરનારની શોધખોળ : બિલ્ડર પિતા-પુત્રને પણ બદનામ કર્યા'તા
જામનગર, જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે ફેસબુક એકાઉન્ટ ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ જ ટીખળખોરો સામે ગઇકાલે જામનગરના એક બિલ્ડર પિતા-પુત્રએ પણ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે આ મામલે ભારે ચકચાર જાગી છે.
પૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીને 'આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર' જેવું લખાણ લખીને ફેસબૂક અને ઇન્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો અપલોડ કરતા ભારે ઉહાપોહ મચી ગયો છે. જેના પગલે ખુદ પૂર્વ મંત્રીએ બંને આઇડી ધારકો સામે જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં લખાવ્યું છે કે, ફેસબુકમાં વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી. કણસાગરા 77 નામે આઈડી ધરાવતા ઈસમોએ તેમની મંજૂરી વગર ફોટા મેળવી લીધા હતા અને આ ફોટોગ્રાફ્સને આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા એડિટ કરીને વિકૃત કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા.
વધુમાં ફરિયાદ મુજબ, આરોપીઓએ બદનક્ષી થાય તેવા લખાણ સાથેના ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને વીડિયો બનાવીને પૂર્વ મંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. આ કૃત્ય પાછળ સમાજમાં બદનક્ષી કરવી, નાણા પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો ઇરાદો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસેે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(2), 331(4), 352, 351 તથા આઈ.ટી. એક્ટ કલમ 11(C) હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


