દશેરા નિમિત્તે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શસ્ત્રોની પૂજા કરાઈ
સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન
જિલ્લાના ૨૬ પોલીસ મથકો પર વિધિપૂર્વક શસ્ત્રોની પૂજા કરી સુખાકારી માટે પ્રાર્થના કરી
સુરેન્દ્રનગર - વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથો સાથ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું હતું.
અસત્ય પર સત્યના વિજયના દિવસ અને પરંપરા અને શક્તિના પ્રતિક સમા શસ્ત્ર પૂજન કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ ટીમ દ્વારા લોકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા દૈનિક ઉપયોગમાં લેવાતા હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું.
પોલીસની શક્તિ અને સંકલ્પને વધુ મજબૂત કરવાના હેતુથી આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં એસ.પી. પ્રેમસુખ ડેલુની સાથે સાથે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લોે, ડી-સ્ટાફના અધિકારીઓ તેમજ જિલ્લાના તમામ ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પોલીસ વિભાગની એકતા અને સમર્પણની ભાવના સાથે પ્રજા અને પોલીસની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.