- ભવાનીપુરાના પાંચ શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો
- ઉત્તરસંડાની જમીન દસ્તાવેજ કરી વેચાણ રાખ્યા બાદ સોજીત્રાના કાસોરના જમીન માલિકને ધમકી
નડિયાદ વેલકમ પ્લાઝા વૈશાલી સિનેમા રોડ પર રહેતા દિનેશ ભોગીલાલ ઠક્કર (મૂળ રહેવાસી કાસોર તા. સોજીત્રા)એ તા.૨૩/૩/૨૩ના રોજ ઉતરસંડા સીમમાં આવેલી સર્વે નંબર ૨૧૬ વાળી ઇન્દિરાબેન અરવિંદભાઈની સંયુક્ત માલિકીની જમીન પ્રમોદભાઈ મણીભાઈ પાસેથી વેચાણ દસ્તાવેજથી નડિયાદ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરી વેચાણ રાખી હતી.
જેથી તેઓ જમીનના મૂળ માલિક પ્રમોદભાઈને સાથે લઈ ખેતરમાં ગયા હતા. ત્યારે અગાઉના જમીન માલિકે મજૂરી કામ માટે રાખેલ લક્ષ્મણભાઈ ગોતાભાઇ પરમારના પરિવારજનો અનાજ ભરવાની ઓરડીયોમાં રહેતા હતા. તેઓના વારસદારો કૈલાશબેન લક્ષ્મણભાઈ પરમાર, વિજયભાઈ લક્ષ્મણભાઈ, નિલેશ લક્ષ્મણભાઈ તેમજ જીતેન્દ્ર નિલેશભાઈ પરમારે જમીન અમોને ગણોત ધારામાં મળી હોવાથી અમો માલિક છીએ તમોએ આ જમીનમાં પગ મુકવાનો નથી તેમ કહેતા જમીનના મૂળ માલિકે આ જમીન વેચાણ આપી છે તેમ જણાવ્યું હતું. દિનેશભાઈ ઠક્કરે અમોએ જમીન વેચાણ રાખેલી છે તેમ કહેતા સામાવાળાઓ ગમે તેમ ગાળો બોલી અહીંથી નીકળી જાવ નહિ તો પતાવી દઈશું જમીનના દાવના રહેવા દઈશું નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે દિનેશ ભોગીલાલ ઠક્કરે કલેકટર સમક્ષ અરજી કરતા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જે આધારે દિનેશભાઈ ભોગીલાલ ઠક્કરની ફરિયાદના આધારે વડતાલ પોલીસે કૈલાસબેન લક્ષ્મણભાઈ, વિજયભાઈ લક્ષ્મણભાઈ, નયનાબેન વિજયભાઈ, નિલેશ લક્ષ્મણભાઈ તેમજ જીતેન્દ્ર નિલેશભાઈ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.


