Gujarat

અમરેલીના મીતીયાળા પંથકમાં ઉપરાઉપરી ભૂકંપોથી ભયનું મોજું

By GS TEAM
30 Mar 20262 mins read
અમરેલીના મીતીયાળા પંથકમાં  ઉપરાઉપરી ભૂકંપોથી ભયનું મોજું

'સ્વાર્મ 'અર્થાત્  સમુહમાં આવતા ભૂકંપો સંવેદનશીલ  : સાવરકુંડલા-ખાંભા વચ્ચે  એક જ કેન્દ્રબિંદુએ જમીનની ઉપરી  સપાટીએ 3.1, 2.6ના તીવ્ર ભૂકંપોથી લોકો ઘર બહાર દોડયા

રાજકોટ, : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મીતીયાળા અભ્યારણ્ય અને ગામ પાસે  ફોલ્ટલાઈન ફરી સક્રિય થઈ છે. આજે સવારે 11.53 વાગ્યે 2.6 અને ગઈકાલે સાંજે 4.10 વાગ્યે 3.1ની તીવ્રતાના બે તેમજ અન્ય હળવા આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ભયનો માહૌલ જોવા મળ્યો છે. હાઈડ્રોલોજીકલ લોડીંગ અર્થાત્ પાણીના ભૂગર્ભમાં આવતા દબાણ જેનું એક કારણ રહ્યું છે તે 'સ્વાર્મ 'પ્રકારના એટલે કે ઝૂંડમાં આવતા ભૂકંપો માટે આ વિસ્તાર સૌથી સંવેદનશીલ રહ્યો છે અને તાજેતરમાં ભારે માવઠાં બાદ ફરી આંચકાનો સિલસિલો શરૂ થયો છે.

નોંધપાત્ર બાબત એ છે  આ બન્ને ભૂકંપોનું કેન્દ્રબિંદુ બરાબર એક જ સ્થળે અમરેલીથી 42 કિ.મી.દક્ષિણ-પૂર્વ દિશાએ સાવરકુંડલા અને ખાંભા વચ્ચે વાંકિયા ગામ નજીક મીતીયાળા પાસે નોંધાયું છે. જો કે બન્ને ભૂકંપો જમીનની ભીતર જુદી જુદી સપાટીએ ૬.૧ અને ૧૧.૬ કિ.મી. ઉંડાઈએ નોંધાયા છે. 

આ પહેલા એકવાર આ વિસ્તારમાં શ્રેણીબધ્ધ ભૂકંપો અને સાથે ભેદી અવાજોથી ડરનો માહૌલ સર્જાયો હતો અને ત્યારે સિસ્મોલોજી વિભાગની ટીમે સ્થળ પર સર્વે કર્યો હતો. 

અમરેલી અને સાવરકુંડલાથી અહેવાલ મૂજબ સાવરકુંડલાથી 27 કિ.મી.દૂર ડુંગરાળ વિસ્તાર વચ્ચે આવેલ મીતીયાળામાં બે દિવસથી ભૂકંપમના આંચકા આવતા લોકો ઘર બહાર દોડી ગયા હતા. લોકોએ જણાવ્યું કે ભૂકંપોથી મકાનોમાં પાતળી તિરાડો પડી છે, સ્લેબના પોપડાં ખરે છે. આ વિસ્તારનો ભૂકંપીય સઘન અભ્યાસ કરાય તેવી લોકમાંગણી ઉઠી છે. ભૂકંપની અસર મીતીયાળા આસપાસ વાંકિયા, ભાડ વગેરે ગામોમાં વર્તાઈ છે. જોરદાર કંપનથી લોકો ખુલ્લા મેદાનો,શેરીમાં દોડયા હતા. 

ગુજરાતમાં કચ્છ ઉપરાંત રાજકોટ, જામનગર, ઉપલેટા, માંગરોળ સહિત અનેક સ્થળે 4.0થી વધુ તીવ્રતાના ભૂકંપો અવારનવાર આવતા રહ્યા છે ત્યારે ભૂકંપથી ભયની નહીં પણ સત્તાધીશોએ લોકોની માહિતગાર કરવાની,વારંવાર શુ કરવું શુ ન કરવું તેની સમજની અર્થાત્ રાજ્ય ભૂકંપ પ્રભાવિત ઝોન 3થી 6માં આવે છે ત્યારે જાપાનની જેમ કાયમી જાગૃતતાની જરૂર છે.