Gujarat

વઢવાણ નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર પાણી ભરાયા

By GS TEAM
20 Jun 20252 mins read
વઢવાણ નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર પાણી ભરાયા

પ્રી-મોનસુન કામગીરીની પોલ પ્રથમ વરસાદમાં જ ખુલી

વર્ષોથી જુની સમસ્યા અંગે અનેકવખત તંત્રને રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં આવતાં લોકોમાં રોષ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર મનપા તંત્રની હદમાં આવેલા નવા ૮૦ ફૂટ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે બીજી બાજુ વરસાદી પાણી સોસાયટીઓ સુધી ફરી વળતાં સ્થાનીક રહિશોને પણ પારાવાર હાલાકી પડી રહી છે જે અંગેનો વિડિયો જાગૃત નાગરિક દ્વારા સોશ્યલ મીડીયામાં વાયરલ કરી તંત્ર સામે રોષ દાખવ્યો હતો.

વઢવાણના નવા ૮૦ ફૂટ રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં તેમજ મુખ્ય રસ્તા પર વરસાદી પાણીના નિકાલની મનપા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં ન આવી હોવાથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અનેક પરિવારો સહિત વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે નવા ૮૦ ફૂટ રોડ પર વરસાદી પાણીમુખ્ય માર્ગ સહિત સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

અગાઉ સુરેન્દ્રનગર પાલિકાના સત્તાધીશોને અનેક વખત આ મામલે સ્થાનિકો સહિત આગેવાનોએ રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતાં સમસ્યા જેમની તેમ છે. આ મામલે જાગૃત નાગરીક કમલેશ કોટેચા દ્વારા સ્થળ પરથી વીડિયો વાયરલ કરી મનપાના સત્તાધીશોને આડેહાથ લઈ સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસતારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે પ્રથમ વરસાદમાં જ ફરી એજ પરિસ્થિતિ સર્જાતા મનપાના પ્રી-મોનસુન કામગીરીની પોલ છતી થઈ છે અને માત્ર કાગળ પર જ પ્રી-મોનસુન કામગીરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.