Get The App

લાઠીમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં હાલાકી

Updated: May 11th, 2025

GS TEAM

Google News
Google News
લાઠીમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં હાલાકી 1 - image

અણઘડ રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરીથી વિકટ સ્થિતિ

મુખ્ય બજાર, મહાવીરનગર, લુવારીયા દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં આગામી ચોમાસામાં પાણી ન ભરાય એવી વ્યવસ્થા તાત્કાલિક કરવા ઉઠેલી માગણી

અમરેલી: અમરેલી જિલ્લામાં થોડા વરસાદે તંત્રની પોલ છતી થઈ ગઈ હતી.લાઠી શહેરમાં આજે પડેલા થોડા વરસાદને પગલે અનેક ઠેકાણે પાણી રોડ પર વહેતા થયા હતા. તેમજ કેટલાક ઠેકાણા પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે નગરજનોએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી.

લાઠી શહેરમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વરસાદને કારણે ભરબપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડે છે. જેને લઈને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો હતો. લાઠી શહેરમાં પડેલ વરસાદને કારણે વાણિયા શેરી, અસ્તાપીર શેરી, મેઈન બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. વરસાદ બાદ પાણી ભરાવવાની સ્થિતિ ઊભી થઈ હતી. મેઈન બજારથી અસ્તાપીર શેરી તરફ જતા રસ્તા પર પાણી ભરવાની સ્થિતિ ઊભી થઈ હતી. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

છેલ્લા ઘણા સમયથી લાઠી નગરપાલિકા દ્વારા થતા અણઘડ રોડ રસ્તા, ભૂગર્ભ ગટરની કામગીરી સહિતના કારણે પાણી ભરવાની સમસ્યાઓ વધતી જઈ રહી છે અહીં મહાવીર નગર, લુવારીયા દરવાજા સહિતના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે. તેવા નગર પાલિકા પ્રશાસન દ્વારા ચાલતી અણધડ વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી, તેવામાં ચોમાસા પહેલા જ પાણી ભરવાની સ્થિતિ ઊભી થતા તંત્ર દ્વાર તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.