દુષિત પાણીને કારણે જુના સેક્ટરો રોગચાળાના ભરડામાં
સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓ ટાઇફોઇડના દર્દીઓથી ઉભરાયા પાણી વિતરણ વ્યવસ્થા ઉપર સવાલોઃપાણી ઉકાળીને પીવાની તબીબોની સલાહ
ગાંધીનગરમાં એક બાજુ ૨૪ કલાક પાણી વિતરણની ગુલબાંગો સરકાર
દ્વારા પોકારવામાં આવે છે તો બીજીબાજુ પાટનગરના જુના સેક્ટરોમાં યોગ્ય રીતે શુધ્ધ
પાણી વિતરણ નહીં કરવાને કારણે જુના સેક્ટરોમાં ટાઇફોઇડ એટલે કે, પાણીજન્ય રોગચાળો
ફાટી નિકળ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર શહેરના
જુના સેક્ટરો તથા જીઆઇડીસી વિસ્તારમાંથી છેલ્લા ત્રણ ચાર દિવસથી પેટમાં દુઃખાવો, ઉલટી અને તાવની
ફરિયાદ સાથેના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. એટલુ જ નહીં, સિવિલમાં પાંચ
દિવસ પહેલા જ્યારે આવી તકલીફ સાથે દર્દી આવ્યા ત્યારે તેમનો વિડાલ ટેસ્ટ કરાવતા તે
પોઝિટિવ આવ્યો હતો. જેથી આ વિસ્તારમાં ટાઇફોઇડના કેસ હોવાની શંકા તબીબી વર્તુળને
હતી તેવી સ્થિતિમાં સેક્ટર-૨૪,૨૫,૨૬,૨૭ તથા આદિવાડા
અને જીઆઇડીસીમાંથી દર્દીઓની સંખ્યા વધતા સિવિલની સાથે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર
પણ સફાળું જાગ્યું હતું અને આ અસરગ્રસ્ત વિસતારમાં સર્વેલન્સ કર્યું હતું.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ જુના સેક્ટરોની
હોસ્પિટલમાં પણ ટાઇફોઇડના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. દર્દીઓને દાખલ કરીને
સારવાર આપવી પડે તેવા ગંભીર દર્દીઓ પણ સામે આવી રહ્યા છે. બાળદર્દીઓમાં પણ
ચિંતાજનક વધારો થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કોર્પોરેશન દ્વારા ચેકીંગ અને
સર્વેલન્સ વધારવામાં આવ્યું છે. સ્થાનિકકક્ષાએ ઓપીડી નિદાન અને સારવાર મળી રહે તે
માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીં વિતરણ કરવામાં આવેલા પાણીના પણ સેમ્પલ
લઇને તેને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સાથે સાથે પાણી પુરવઠો પુરો પાડવમાં
આવી રહ્યો છે તે સુપર ક્લોરિનેશન કરીને જ આપવામાં આવે તે અંગેની તાકિદ પણ કરવામાં
આવી છે.
૪૦ ટીમો દ્વારા ૧૦ હજાર ઘરોનું સર્વેલન્સ ઃ સરકારી ચોપડે ૬૭
કેસ
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના જુના સેક્ટરોમાં ટાઇફોઇડના
કેસ મળતા ફિમેલ હેલ્થ વર્કર,
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશાબહેનોની કુલ ૪૦ ટીમના ૮૦ થી વધુ સ્ટાફ દ્રારા
સર્વેની કામગીરી કરવામાં આવી રહેલી છે.સર્વેલન્સની ૪૦ ટીમો દ્રારા અત્યાર સુધીમાં
કુલ ૧૦ હજારથી વધુ ઘરોમાં તથા ૩૮ હજારની વસ્તીમાં કામગીરી કરવામાં આવી છે. જેમાં
૨૦ હજાર કલોરીનની ટેબલેટ,
પાંચ હજાર ઓઆરએસના પેકેટ તથા ૧૦ હજાર પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી
છે.સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ ૬૭ કેસો મળી ચઢ્યા છે જેમાંથી ૪૨ દર્દીઓએ
સારવાર સિવિલ હોસ્પિટલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર-૨૯ તથા અર્બન હેલ્થ સેન્ટર
સેકટર-૨૪ ખાતે કરવામાં આવી છે.
દસ લીકેજ મળી આવ્યાઃપાણીના ૧૫ સેમ્પલ લેવાયાઃટીમના ધામા
ગાંધીનગરના જુના સેક્ટરોમાં પાણીજન્ય ટાઇફોઇડ રોગચાળો ફાટી
નિકળ્યો છે. ૧૦૦થી વધુ કેસ હોવાનું સ્થાનિક તબીબોનું માનવું છે જ્યારે તંત્ર હજુ
૬૭ કેસ હોવાનું જ રટણ કરી રહ્યું છે તે વચ્ચે પાણીજન્યો રોગચાળો કઇ રીતે ફેલાયો તે
જાણવા પણ તંત્ર મથી રહ્યું છે. પાણીનું સુપર ક્લોરિનેશન કરીને વિતરણ કરવા માટે
સુચના આપી દેવામાં આવી છે તો બીજીબાજુ સર્વેલન્સ દરમ્યાન અલગ અલગ જગ્યાએથી પાણીના
દસ લીકેજ મળી આવ્યા હતા જેને રીપેર કરવામાં આવ્યા છે તો બીજીબાજુ પાણીના સેમ્પલ પણ
અલગ અલગ જગ્યાએથી લઇને તેનું પરિક્ષણ કરવામાં આવનાર હોવાથી કુલ ૧૫ સેમ્પલ લેવામાં
આવ્યા છે.

