Gujarat

કપડવંજમાં પાણીજન્ય રોગચાળાનો ભરડો યથાવત્ઃ કમળાના નવા 75 દર્દી

By GS TEAM
12 Aug 20252 mins read
કપડવંજમાં પાણીજન્ય રોગચાળાનો ભરડો યથાવત્ઃ કમળાના નવા 75 દર્દી

- વોર્ડ નં.- 2 અને 3 મા દૂષિત પીવાનું પાણી અને ઉભરાતી ગટરો

- ટ્રસ્ટની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ : એક પણ કેસ ન નોંધાયાનો જિલ્લા આરોગ્ય અધિકારીનો દાવો : પાલિકાની બેદરકારીના કારણે રોગચાળો વકર્યાનો સ્થાનિકોનો આક્ષેપ

કપડવંજ : કપડવંજમાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. પાલિકાની બેદરકારીના કારણે વોર્ડ નં.-૨ અને ૩મા દૂષિત પીવાનું પાણી અને ગટરો ઉભરાવાની સમસ્યાના કારણે રોગચાળો વકર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી કમળાના કેસમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સોમવારે ટ્રસ્ટની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતા કમળાના નવા ૭૫ દર્દી આવ્યા હતા. જ્યારે એક પણ કેસ ન નોંધાયાનો જિલ્લા આરોગ્ય અધિકારી દાવો કરી રહ્યા છે.

કપડવંજમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. ત્યારે નગરપાલિકા તંત્રની બેદરકારી આજે પણ જોવા મળી હતી. પાલિકાના વોર્ડ નં.-૨ અને ૩મા પીવાનું દૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે વોર્ડ નં.-૨માં સરકારી વસાહત પાસે, દીવાનવાડા પોલીસ સ્ટેશન ઢાળ ચઢતા તેમજ મીઠી કુંઈ દરગાહ સામે, સૈયદ વાડો, કુરેશી મહોલ્લા, મહંમદઅલી ચોક, ઘાંચી બારી વિસ્તારમાં દૂષિત પાણી આજે આવ્યું હતું. જ્યારે પાલિકાના વોર્ડ નં.-૩મા વાયદપુરા વિસ્તારોમાં ગટરો ઉભરાવા સાથે પીવાનું દૂષિત પાણી આવતું હોવાની બૂમ સ્થાનિકોમાં ઉઠી હતી. બે મહિનાથી મોતીપુરા વિસ્તારમાં બે આંગણવાડી નજીક તેમજ રસ્તા પર ગંદકી ઠલવાય છે. જે બાબતે કપડવંજ નગરપાલિકામાં અવારનવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા રોગચાળો વકર્યો હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ચીફ ઓફિસર સહિત તંત્રને સ્લમ વિસ્તારની પડી જ ન હોવાનું સ્થાનિકો આક્ષેપ સાથે જણાવી રહ્યા છે. 

ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિદ્વાનસિંહ ધુ્રવેએ કોઈ કેસ આવ્યો નથી તેમ જણાવ્યું હતું. જ્યારે સ્થાનિક ટ્રસ્ટની સહયોગ હોસ્પિટલના ડૉક્ટર ચાંદરાજ કેલ્લાએ તા. ૧૧મીને સોમવારે ૭૫ દર્દીઓની સંખ્યા જણાઈ હોવાનો દાવો કર્યો છે. ઉપરાંત કપડવંજ ખાતે અન્ય ખાનગી દવાખાનામાં અંદાજે પાંચથી છ જેટલા છેલ્લા ચાર દિવસથી કમળાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના આંકડા ઉપર કપડવંજના સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.