કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ
- પાલિકા વિસ્તારમાં 7,886 અસરગ્રસ્ત, 12 ટીમો દોડતી થઈ
- ખાનગી દવાખાનામાં છેલ્લા બે દિવસમાં 25 દર્દી, રવિવારે એક પણ કેસ નહીં હોવાનો આરોગ્ય વિભાગનો દાવો : 4 લોહીના અને 3 પાણીના નમૂના ચકાસણી માટે મોકલાયા
કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં.-૨મા આવેલા મીઠી કુઈ, કુરેશી મહોલ્લા, કસાઈવાડા, મહંમદઅલી ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સ્થાનિક હોસ્પિટલમાં ઓપીડીમાં કમળાના કેસો આવતા કમળાનો રોગચાળો ફેલાયો હોવાનું માલુમ પડયું છે. ત્યારે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શુક્રવાર બપોર સુધી પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યા ૩૫ સુધી પહોંચી હતી. ત્યાર બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થયો હતો. ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ધુ્રવભાઈએ જણાવ્યું હતું કે, કપડવંજ પાલિકામાં અસરગ્રસ્ત વસ્તી ૭,૮૮૬ છે. આરોગ્ય વિભાગે મેડિકલ અને પેરામેડિકલ ૨૫ સ્ટાફની ૧૨ ટીમો બનાવી ૧૨૪૧ ઘરોમાં ૬,૨૫૪ લોકોનો સર્વે કરાયો હતો. ત્યારે અત્યાર સુધી ૧૧ કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં ઈન્ડોર ૪ દર્દીઓ છે. ૨૯૮ ક્લોરીન ટેસ્ટમાં ૧૩૭ પોઝિટિવ અને ૧૬૧ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધી ૫,૦૬૦ ક્લોરીન ટેબલેટ અને ૧૫૧ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું છે. પાણીજન્ય કમળાની ખાતરી કરવા ૪ લોહીના નમૂના નડિયાદ સિવિલ હોસ્પિટલ અને પીવાના પાણીના કલ્ચર ટેસ્ટ માટે ૩ પીવાના પાણીના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયા છે. જો કે, આજે કોઈ કેસ નોંધાયો નહીં હોવાનું તેમણે જણાવ્યું છે.
જ્યારે સહયોગ હોસ્પિટલના ડૉક્ટર ચાંદરાજ કેલ્લાએ જણાવ્યું હતું કે, શનિવારે વધુ ૧૫ કેસ અને આજે રવિવારે ૧૦ કેસ મળી કુલ ૫૫ કમળાના દર્દીઓ આવ્યા હતા. કેટલાક રિપોર્ટ કઢાવ્યા બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે જતા હોય તેમ બની શકે. કપડવંજમાં તાજેતરમાં જ પીવાના પાણી માટેની નવી પાઈપલાઈનો નાખવા છતાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે પાલિકા તંત્રની બેદરકારીના કારણએ રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.