કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ
- પાલિકાની બેદરકારીના લીધે રોગચાળો વકર્યાનો આક્ષેપ
- ગટરોની સમસ્યા, નવી પાણીની લાઈનો નાખવા છતા પાણીજન્ય રોગચાળો ફેલાતા નગરજનોમાં ભય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનેશન કરાયું
કપડવંજ પાલિકામાં ગટર, પાણી અને સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે. પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ ગેરવલ્લે થઈ રહ્યો હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે કપડવંજ પાલિકાના વોર્ડ નં.-૨માં મીઠી કુંઈ, કુરેશી મહોલ્લો, કસાઈ વાડા અને મહંમદ અલી ચોક સહિતના આસપાસના અનેક વિસ્તારમાં ૪ દિવસમાં કમળાના ૩૫ કેસ નોંધાયા છે. તાજેતરમાં જ નવી પાણીની લાઈનો નાખવામાં આવી છે. ત્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાની સ્લમ વિસ્તારમાં ફરિયાદો ઉઠી હતી. ત્યારે આડેધડ સમારકામ થયા બાદ ફરી દૂષિત પાણી શરૂ થઈ ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
થોડા દિવસ અગાઉ પ્રાદેશિક કમિશનરે કપડવંજની મુલાકાત લીધી હતી. ત્યારે ચીફ ઓફિસરે ચોક્કસ સ્થળો બતાવી સબ સલામતના દેખાડા કર્યા હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે. ત્યારે પાલિકાની બેદરકારીના કારણે જ રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે.
આ અંગે પાલિકા વૉટર વર્કસના શંકરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વિસ્તારોમાં ક્લોરિનેશન કરી ગટરોની સફાઈ કરવામાં આવી છે.
આ બાબતે સહયોગ હોસ્પિટલના ડોક્ટર ચાંદરાજ કેલ્લાએ જણાવ્યું હતું કે, અહીંયા ૩ દિવસમાં ૧૮ જેટલા દર્દીઓ કપડવંજના અને બે કેસ બહારના આવ્યા હતા. મોટાભાગના કેસ પાણીજન્યના દર્દીઓના છે. પીવાના ડહોળા પાણીના કારણે રોગ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. શુક્રવારે બપોરે ૩ વાગ્યા સુધી દર્દીઓની સંખ્યા ૩૫ થઈ છે.
કપડવંજ પાલિકા વિસ્તારમાં સત્વરે આરોગ્ય અને સ્વચ્છતાના પગલાં લઈ રોગચાળો ફેલાતો અટકાવાય તેવી માંગણી ઉઠી છે.