અમદાવાદ,મંગળવાર,6
જાન્યુ,2026
ગાંધીનગરની સાથે અમદાવાદમા પણ દક્ષિણ,પૂર્વ અને મધ્ય
એમ ત્રણ ઝોનમાં પાણીજન્ય એવા ટાઈફોઈડ અને કમળા,કોલેરા અને ઝાડા ઉલટી સહિતના કેસમાં વધારો થતા કોર્પોરેશનનુ
હેલ્થ વિભાગ દોડતુ થયુ હતુ.મંગળવારે શહેરના બહેરામપુરા, ગોમતીપુર સહિત
અન્ય વોર્ડ વિસ્તારમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગે સઘન કાર્યવાહી કરી
હતી.બહેરામપુરામાં અસહય ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે પાણીપૂરીની પુરી તૈયાર
થતી હતી. ત્રણ ઝોનના વિવિધ વિસ્તારમાંથી સડેલા બટાકા,ચટણી સહિતનો ૫૪૪
કિલોગ્રામ જથ્થાનો નાશ કરાયો હતો.પાણી,પકોડી ,ચટણીના સેમ્પલ
લેવાયા હતા.
અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યા સતત વધી રહી છે.
ઈન્દોરની જેમ જળ કાંડ ના સર્જાય એ માટે કોર્પોરેશનના હેલ્થ વિભાગની અલગ અલગ ટીમ
દ્વારા જયાં પાણીપૂરી બનાવવામા આવે છે તેવા વોર્ડ વિસ્તારમાં ચકાસણી કરતા
બહેરામપુરામાં જે પ્રમાણે પાણીપૂરી તૈયાર થતી હતી.તે જોઈ હેલ્થ વિભાગના અધિકારીઓ
પણ ચોંકી ગયા હતા.બહેરામપુરા ઉપરાંત પૂર્વના ગોમતીપુર મધ્ય ઝોનમા પણ સારંગપુર, શાહીબાગ સહિતના
વિવિધ વિસ્તારમા કાર્યવાહી કરાઈ હતી.મધ્યઝોનમાં ૬૪, દક્ષિણ ઝોનમાં ૫૮ અને પૂર્વ ઝોનમાં ૩૦ લારીવાળાની તપાસ કરી
૯૦ નોટિસ અપાઈ હતી.પાણીપૂરી માટે તૈયાર
કરવામા આવેલ પાણી,રગડા અને ચટણીના ૪૨૮ લીટર જથ્થાનો નાશ કરી રુપિયા ૨૧
હજારથી વધુ વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં છેલ્લા
કેટલાક સમયથી નિષ્ક્રીયતા જોવા મળી રહી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પણ ઈન્ચાર્જ
મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને શહેરમા વધતા જતા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમાં લેવા
માટે ટકોર કરેલી છે.


