મહી નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડાશે આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા
- કડાણા ડેમમાંથી પાણી છોડાવાને લઈ તંત્ર દ્વારા તાકીદ
- ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બોરસદના આઠ, આણંદના 4, ઉમરેઠના બે અને આંકલાવના 12 ગામોને તકેદારી રાખવા સૂચના
આણંદ : ઉપરવાસમાં વરસાદના પગલે કડાણા ડેમમાંથી ૬૦ હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવવામાં આવશે. જેને લઇ આણંદ જિલ્લાના ૨૬ ગામોને એલર્ટ કરાયા છે. નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા તાકિદ કરાઇ છે.
કડાણે ડેમમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા માટે ૧૦ હજાર ક્યુસેકથી કમ્રશ વધારીને આજે ૬૦ હજાર ક્યુસેક પાણી મહીન નદીમાં છોડાશે. જેના કારણે વણાંકબોરી વિયર પરથી સાંજ આસપાસ ૧૩,૫૮૮ ક્યુસેકથી વધીને ૬૦ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ થવાની સંભાવના છે. જેથી નદી વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવા નડિયાદ ફ્લડ સેલ મહી બેઝન દ્વારા જણાવવામાં આવ્યું છે.
જે અન્વયે આણંદના વહિવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકના ૮, આણંદના ૪, ઉમરેઠના ૨ અને આંકલાવના ૧૨ ગામોનો સમાવેશ થયો છે. જેમાં બોરસદના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બાદલપુર,વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવવાળી,રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા,ખોરવાડ તથા આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા,ખડોલ - ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ, ભાણપુરા, આસરમા,નવાખલ, ભેટાસી વાંટો,ગંભીરા જેવા ગ્રામ્ય વિસ્તારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.