વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ

Vadodara Water Wastage : વડોદરા શહેરના વોર્ડ નં.12 હેઠળ આવતાં અટલાદરા પોલીસ સ્ટેશનથી પ્રમુખ બજાર તરફ જવાના માર્ગ પર ખાનગી કંપની દ્વારા ખોદકામ દરમ્યાન પાણીની લાઈન તૂટી જતાં માર્ગ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈ સમારકામનું કાર્ય પૂર્ણ કર્યું હતું.
આ ઉપરાંત પ્રમુખસ્વામી માર્ગ પર હનુમાનજી મંદિર પાસે તેમજ કલાલી ત્રણ રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે લાંબા સમયથી પાણીની લાઈનના વાલ્વમાં લીકેજ થવાને કારણે સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ આ બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કોર્પોરેશનને તાત્કાલિક વાલ્વ લીકેજનું સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવવાની માંગ કરી છે. સાથે શહેરમાં ચાલતા ખોદકામ દરમિયાન પૂરતી તકેદારી રાખવા માટે પણ તેમણે જણાવ્યું છે.

