વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઉકાજીના વાડીયા પાસે પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ
Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સદાય પાણીનો કકળાટ યથાવત રહ્યો છે ત્યારે હાલમાં જ નવી લાઈન નંખાઈ હોવા છતાં વોર્ડ નં.15માં ઉકાજીના વાડિયા નજીક આવેલી હરિયાળી હોટલ પાસે પાણી લીકેજ થવાથી પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
વડોદરા પાલિકા અધિકારીઓની લાપરવાહી ના કારણે પાણીની લાઈન નંખાઈ ત્યારે ઉપરથી ડ્રેનેજ લાઈન પણ પસાર થઈ રહી હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે. ડ્રેનેજ લાઈન સાથે પાણીની લાઈનનું પીવાનું પાણી મિક્સ થતા સ્થાનિક લોકોને દૂષિત પાણી પીવાની ફરજ પડી હોવાથી ઘરે ઘરે બીમારીના ખાટલા મંડાવાની શક્યતા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પૂર્વ વિસ્તારની આકસ્મિક મુલાકાત લીધી હતી. આવી જ રીતે આ વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કમિશનર આકસ્મિક મુલાકાત લે તેવી સ્થાનિકોની માંગ છે.