Vadodara : વડોદરાનું પાલિકા તંત્ર હળાહળ ભ્રષ્ટાચારથી ખદબદતું હોવાના આક્ષેપ થયા છે. અતાપી વન્ડરલેન્ડની ફાઈલ સહિત અનેક ફાઈલો પાલિકાની ઓફિસમાંથી કૌભાંડના ભાગરૂપે ચોરી થતાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. જ્યારે બીજી બાજુ હવે પાણીની ટાંકીએથી પણ ટેન્કરો દ્વારા પાણી ચોરીનું પણ વધુ એક કૌભાંડ બહાર આવ્યાનો વિડીયો વાયરલ થતા તંત્રમાં ચકચાર મચી છે.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ પાણીની ટાંકીએથી રજીસ્ટરમાં કોઈપણ જાતની એન્ટ્રી કર્યા વિના પાણીનું ટેન્કર ભરીને વહેલી સવારે 7 વાગ્યાના સુમારે ચોરી કરી લઈ જવાતું હતું. આ અંગે કારેલીબાગના ફરજ પરના કર્મચારીએ પણ આ બાબત કબૂલી હતી આ કર્મચારીએ એમ પણ જણાવ્યું હતું કે રોજે રોજ પાણી ભરીને 15 જેટલા ટેન્કર કારેલીબાગ પાણીની ટાંકી હતી જાય છે. આવી જ રીતે છેલ્લા એક મહિનાથી કોઈ જાતની એન્ટ્રી વગર ટેન્કર દ્વારા પાણી લઈ જવાતું હોવાની ચોકાવનારી વિગત કારેલીબાગ ટાંકીના સવારે ઉપસ્થિત જે તે વ્યક્તિએ જણાવી હતી. પરંતુ રજીસ્ટરમાં માત્ર બે કે ત્રણ ટેન્કરની જ નોંધણી થતી હોય છે. પરંતુ કોઈ જવાબદાર અધિકારી જે તે વખતે મળ્યા નહોતા પરંતુ ગણતરીની મિનિટોમાં જ ડેપ્યુટી એન્જિનિયર સ્થળ પર હાજર થયા હતા. પાણી ચોરી અંગે પૂછપરછ કરતા તેમણે ખાતાકીય જવાબ આપતા જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરીને કસુરવારો સામે કડક કાર્યવાહી કરાશે તેવો રૂટિન જવાબ આપ્યો હતો.
જોકે કારેલીબાગ પાણીની ટાંકીના રજીસ્ટરમાં તપાસ કરતા પહેલી એન્ટ્રી સવારે 8 વાગ્યા પછીની જણાઈ હતી તો પછી 7 વાગ્યાના સુમારે પાણી ભરીને ભાગી ગયેલા ટેન્કર ચાલકની એન્ટ્રી ક્યાં? એવો સવાલ સર્જાયો છે.
જોકે આ અંગે સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને આ અંગે જાણ કરાતા રાજકીય અદામાં જવાબ આપ્યો હતો કે, શહેરની પ્રત્યેક ટાંકીએથી પાણી ભરનાર પાલિકાના ટેન્કરો દ્વારા શહેરીજનોને વિનામૂલ્યે પાણી આપવામાં આવે છે પરંતુ આવી રીતે કોઈ ખાનગી ટેન્કર દ્વારા ભરાઈ જતું પાણી જે તે વ્યક્તિ વેચાણથી જરૂરમંદોને આપતા હોય છે આ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદે છે અને આ બાબતે પાણીની ટાંકીના તમામ જવાબદાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવો તેમણે પ્રત્યુતર પાઠ્યો હતો.


