Get The App

જામનગર જિલ્લાના જોડિયા પંથકના રસનાળ અને લાલપુરના કાન વીરડી ગામે જળ-સંચય કાર્યનો શુભ પ્રારંભ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના જોડિયા પંથકના રસનાળ અને લાલપુરના કાન વીરડી ગામે જળ-સંચય કાર્યનો શુભ પ્રારંભ 1 - image

Jamnagar : જામનગર જિલ્લામાં જળ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ રૂપે રસનાળ અને કાન-વીરડી ગામે તળાવો ઊંડા કરવાની કામગીરીનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ જામનગર અને બી.જે.એસ. જૈન સંગઠન ફાઉન્ડેશન, જામનગરના સંયુક્ત પ્રયાસોથી યોજાયો હતો.

સંસ્થાઓ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં તળાવો ઊંડા કરીને વર્ષા જળના સંચય માટે ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વર્ષે ચોમાસા પહેલા અંદાજે 35 કરોડ લીટરથી વધુ જળ સંગ્રહ ક્ષમતા વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેને સિદ્ધ કરવા માટે સંસ્થાના કાર્યકરો સક્રિય રીતે કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત તા.12 એપ્રિલના રોજ જોડિયા તાલુકાના રસનાળ અને લાલપુર તાલુકાના કાન વીરડી ગામે તળાવમાંથી માટી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

તળાવો ઊંડા કરવાની પ્રક્રિયા દરમિયાન નીકળતી માટી ખેડૂતોને તેમના ખેતરની જમીન સુધારણા માટે આપવામાં આવે છે, જેના કારણે જમીનની ઉપજ ક્ષમતા વધે છે. આ પ્રોજેક્ટના વિવિધ ફાયદા છે જેમ કે વરસાદી પાણીના સંગ્રહમાં વધારો, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવું, પાણીની ગુણવત્તામાં સુધારો તથા ખેતી ઉત્પાદનમાં વધારો. આ ઉપરાંત તળાવોમાં લાંબા સમય સુધી પાણી રહેતા પશુ-પક્ષી અને અન્ય જીવસૃષ્ટિ માટે પણ આ પ્રકલ્પ આશીર્વાદરૂપ સાબિત થાય છે. ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સંચય માટેના આહ્વાનને પ્રતિસાદ આપતા બંને સંસ્થાઓએ સરકારની મંજૂરી સાથે સ્વભંડોળથી આ જળ-સંચય અભિયાન શરૂ કર્યું છે. ગામડાના તળાવો ઊંડા કરીને જળ સમૃદ્ધિ અને ગ્રામ વિકાસ વધારવાનો સંકલ્પ સાકાર કરવા બંને સંસ્થાઓ સંયુક્ત રીતે પ્રયત્નશીલ છે, જેના સકારાત્મક પરિણામો નજીકના ભવિષ્યમાં જોવા મળશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી છે.