Get The App

વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા

ઉનાળાની શરૃઆતમાં જ ઉત્તરની બે અને પૂર્વની પાંચ ટાંકીઆમાં પાણી વિતરણની સમસ્યાથી હાડમારી

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા 1 - image

 વડોદરા,વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી ટાંકીઓ અને બુસ્ટર મળીને કુલ ૩૭ સ્થળેથી પૂરૃં પાડવામાં આવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં ૭ સ્થળેથી  પાણીનું ઓછું  વિતરણ થતા નાગરિકો હેરાન થઇ રહ્યા છે.  ટેન્કરોના રોજના ૩૫૦ થી વધુ ફેરા નાગરિકોને પીવાનું પાણી  પૂરૃં પાડવા માટે થઇ રહ્યા  છે. જે વડોદરાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે છે.

એક જ વર્ષમાં ચાર વખત પૂરનો સામનો કરનાર વડોદરા શહેરના  પૂર્વ અને ઉત્તર વિભાગમાં રહેતા નાગરિકો ઉનાળાની શરૃઆતમાં જ પાણીના વલખા મારી રહ્યા છે. પૂર્વ વિભાગના પાંચ સ્ટેશનો અને ઉત્તર વિભાગના બે સ્ટેશનોમાં ઓછું  પાણી આવી રહ્યું છે. જેના કારણે વિતરણ પણ ઓછું થઇ રહ્યું છે. છેલ્લા અઠવાડિયાથી ચાલતી આ પરિસ્થિતિના કારણે શહેરીજનો હેરાન થઇ રહ્યા છે. કેટલાક સ્થળે તો જમીન લેવલથી ત્રણ ફૂટ ઉંડે પાણી આવી રહ્યું છે અને તે  પણ એકદમ ઓછા ફોર્સમાં. વડોદરામાં પાણી સપ્લાયના બે મુખ્ય સ્ત્રોત આજવા સરોવર અને મહીસાગર નદીના ફ્રેનચ વેલ કૂવા છે. આ સ્થળેથી સાત સ્ટેશન પર પાણી કેમ ઓછું આવી રહ્યું છે. તે જાણી શકાયું નથી.  પૂર્વ વિસ્તારના લોકો પાણી માટે સૌથી વધુ  હેરાન થઇ રહ્યા છે. રોજ પાણીની ટેન્કર માટે ફોન કરવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ પાણી માટે દોડતી ટેન્કરોના રોજના ૩૫૦ થી વધુ ફેરા થઇ રહ્યા  છે. અગાઉના વર્ષોની  પરિસ્થિતિ જોઇએ તો અત્યારસુધી એક દિવસમાં ટેન્કના સૌથી વધુ ૨૦૦ ફેરા થયા છે. પરંતુ, આ વર્ષે  લગભગ બમણા ફેરા થઇ રહ્યા છે. જેની પાછળનું કારણ શોધી તેનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જો તંત્ર દ્વારા આ તકલીફ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો હજી આખો ઉનાળો બાકી છે. નાગરિકો વધારે હેરાન થશે.


કમાટીબાગમાં પાણીની લાઇન લિકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ

વડોદરા,થોડા દિવસ  પહેલા કમાટીબાગમાં પાણની લાઇન લિકેજ થઇ હતી. જો સ્કાડા સિસ્ટમ વ્યવસ્થિત કાર્યરત હોત તો તેનો મેસેજ તરત મળી જાત અને હજારો લીટર પાણીનો વેડફાટ બચી જાત.  પરંતુ, તેની જાણ જ ના થઇ. ૧૦ દિવસ પછી નજરે જોનાર નાગરિકે જાણ કરતા તંત્ર દોડતું થયું હતું અને લિકેજ બંધ કર્યુ હતું.

Tags :