Gujarat

લાઈન રિપેરિંગમાં તારીખ પે તારીખ : શહેરમાં સપ્તાહથી એકાંતરે વિતરણથી પાણીની મોંકાણ

By GS TEAM
23 Jun 20252 mins read
લાઈન રિપેરિંગમાં તારીખ પે તારીખ : શહેરમાં સપ્તાહથી એકાંતરે વિતરણથી પાણીની મોંકાણ

- ગત સોમવારે જિલ્લાની શેત્રુંજી લાઈનમાં ભંગાણ થયા બાદ પાણીની સમસ્યા સર્જાઈ 

- મોડીરાત્રે લાઈન રિપેર થાય તો પણ આજે ઘણાંખરા વિસ્તારોમાં પાણી વિતરિત નહીંં થાય,રવિવારે તખ્તેશ્વર,તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં વિતરણ ન થયું 

ભાવનગર : ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાઈ જવા છતાં શહેરને પુરવઠો પુરો પાડતી લાઈનમાં ભંગાણના કારણે છતે પાણીએ છેલ્લાં એક સપ્તાહથી શહેરીજનોને પાણી કાપ સહન કરવાનો વારો આવ્યો છે. આ તરફ રિપેરિંગમાં સતત મુદ્દતો પડતાં મહાપાલિકા દ્વારા સપ્તાહથી ચાલતા લાઈન રિપેરિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.બીજી તરફ શહેરમાં એકાંતરે થતાં પાણી વિતરણના કારણે ભરચોમાસે શહેરભરમાં પાણીની મોંકાણ સર્જાઈ છે. 

ગત સોમવારે મોડીરાત્રિના સુમારે ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ મેઈન લાઈનમાં ભંગાણ થયું હતું, જેના પગલે શેત્રુંજીમાંથી શહેરને મળતા દૈનિક ફાળવાતાં પાણીના કુલ જથ્થામાં આશરે ૪પ એમએલડીની ઘટ જોવા મળી રહી છે. જો કે,મહાપાલિકાની ટીમે બીજા દિવસથી જ લાઈન રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી.અને ઝડપથી લાઈન રિપેર થઈ જવાના દાવા કરવામાં આવી રહ્યા છે છતાં હજુ સુધી લાઈન રિપેર થઈ નથી. અને રોજ નવી મુદ્દત પડી રહી છે. જેના કારણે આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. આ દાવા વચ્ચે સતત એક સપ્તાહથી શહેરના તખ્તેશ્વર, તરસમિયા, વર્ધમાન ઇએસઆર, દિલબહાર ઇએસઆર અને ચિત્રા ફિલ્ટર હેઠળ આવતાં મોટાભાગના શહેરી વિસ્તારમાં એકાંતરે પાણી વિતરણ થતાં સ્થાનિક સ્તરે પાણીની મોંકાણ સર્જાઈ છે.આજે વધુ એક વખત વોટર વર્કસ અધિકારીએ આજે રવિવાર મોડીરાત સુધીમાં લાઈન રિપેર થવાનો દાવો કર્યો છે,લાઈન રિપેર થઈ જાય તો પણ આવતીકાલ સોમવારે શહેરના ઘાણાઁખરા વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકશે નહીં જો કે, મોંકાણ વચ્ચે આજે પણ શહેરના તખ્તેશ્વર, અને તરસમિયા ફિલ્ટર હેઠળ આવતાં વિસ્તારોમાં પાણી વિતરણ થયું ન હતું.