પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું

- મહિપરીએજમાંથી 70 ના બદલે 40 એમએલડી જ પાણી આવ્યું
- કેનાલ રીપેરીંગ અને વીજ કાપના પગલે અઠવાડીયાથી પાણીનો કકળાટ, કાળિયાબીડ સહિતના વિસ્તારમાં દોઢ કલાક પાણી મોડુ આવ્યુ
મહિપરીએજની કેનાલનું રીપેરીંગ કામ છેલ્લા આઠ દિવસથી શરૂ છે, જેના પગલે મહિપરીએજમાંથી પુરતુ પાણી મળતુ નથી તેથી ભાવનગર શહેરમાં પાણીની સમસ્યા યથાવત છે. મહિપરીએજની કેનાલ રીપેરીંગના પગલે થોડા દિવસ પૂર્વે ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ રાખવામાં આવ્યો હતો, જયારે ગઈકાલે રવિવારે વીજ કાપના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી કાપ રહ્યો હતો. આજે સોમવારે મહિપરીએજમાંથી ૭૦ એમએલડીના બદલે માત્ર ૪૦ એમએલડી પાણી આવ્યુ હતું. ૩૦ એમએલડી પાણીની ઘટ આવતા મહાપાલિકાનું તંત્ર દોડતુ થયુ હતું.
મહિપરીએજમાંથી પાણી પણ મોડુ આવ્યુ હતુ તેથી શહેરના કાળિયાબીડ, પ્રભુદાસ તળાવ વગેરે વિસ્તારમાં દોઢ કલાક પાણી મોડુ આવ્યુ હતું. તહેવારો પૂર્વે લોકોને પાણીની જરૂરીયાત વધુ હોય છે અને આ સમયે જ પાણીના ધાંધીયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
આજથી શહેરમાં નિયમીત પાણી અપાશે : અધિકારી
ભાવનગર શહેરમાં જુદા જુદા કારણોસર પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આ બાબતે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, મહિપરીએજની કેનાલ રીપેરીંગની કામગીરી અને વીજ કાપના કારણે પાણી પ્રશ્ન જોવા મળી રહ્યો છે પરંતુ આવતીકાલ મંગળવારથી શહેરીજનોને નિયમીત પાણી મળે તેવા પ્રયાસ કરાશે.

