આજવા સરોવરથી પંપિંગ કરી વિશ્વામિત્રી નદીમાં છોડાતું પાણી
હાલ ૬ પંપ ચાલુ કર્યા ઃ અઠવાડિયામાં તમામ ૧૪ પંપ ચાલુ થતા ૧૦ દિવસે લેવલ ૧ ફૂટ ઘટશે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજવા સરોવર ખાતે પૂરશમનના ભાગરૃપે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ શરૃ કરી છે. આજ સાંજથી આ સિસ્ટમ હેઠળ ૬ પંપ ચાલુ કરાયા છે અને વિશ્વામિત્રી નદીમાં સૂર્યા નદીમાં થઇને પાણી છોડવાનું શરૃ કરાયું છે. જોકે આના લીધે વિશ્વામિત્રીના લેવલને કોઇ અસર થશે નહીં.
આજવા સરોવરમાં ટોચનું લેવલ ૨૧૧ ફૂટ છે. ૧૫ ઓગસ્ટ સુધી આજવામાં ૨૧૧ ફૂટથી વધુ પાણી સરકારની ગાઇડલાઇન મુજબ ભરી શકાશે નહીં.
નિષ્ણાતોની સમિતિએ તો આજવાનું લેવલ ૨૦૮ ફૂટ સુધી લઇ જવા કહ્યું છે, પરંતુ આ લેવલ સુધી પાણી ખાલી કરવાની વ્યવસ્થા નથી એટલે વોટર ડિસ્પોઝલ સિસ્ટમ શરૃ કરાઇ છે. આ સિસ્ટમ હેઠળ તમામ ૧૪ પંપ ચાલુ થતા રોજ ૪૦૫ એમએલડી પાણી ઉલેચી શકાશે. હાલ ૬ પંપ ચાલુ કરાયા છે એટલે ૧૮૦ એમએલડી પાણી ઉલેચી શકાશે. પાઇપોનું જોડાણ થતા બીજા ત્રણ પંપ બેત્રણ દિવસમાં શરૃ થશે, અને અઠવાડિયામાં તમામ પંપો ચાલુ થઇ જશે.
આજવાને લીધે શહેરમાં ફરી પૂર ન આવે તે માટે આ કામગીરી થઇ રહી છે. પ્રતાપપુરા સરોવર ખાલી કરી દેવાયું છે. તમામ પંપો ચાલુ થતાં રોજ ૦.૧૫ ફૂટ અને દશ દિવસે ૧ ફૂટ લેવલ ઘટાડી શકાશે. ૩૦ દિવસ પંપિંગ ચાલુ રાખીને લેવલ ત્રણ ફૂટ નીચે લઇ જવાશે. હાલ આજવાનું લેવલ ૨૧૦.૯૭ ફૂટ છે.
હવે જો વડોદરામાં ભારે વરસાદ પડે તો વિશ્વામિત્રીના લેવલમાં વધારો થાય તો પંપિંગ બંધ કરવું પડે. નદીનું લેવલ ઘટીને ૭ ફૂટ જેટલું થાય ત્યારે ફરી પંપિંગ શરૃ કરાશે.
કોર્પોરેશને આ કામગીરી ૧૦ દિવસમાં પૂરી કરી છે અને આશરે ૭ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે.