Get The App

રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા 1 - image

- હળવદ બસ સ્ટેશન નજીક કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

- કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામમાં બેદરકારી રખાતા હજારો લિટર પાણીનો બગાડ : રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

હળવદ : હળવદ શહેરના બસ સ્ટેશન રોડ પર ચાલી રહેલી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા પાંચ-છ દિવસથી પાણીની લાઈન લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા શનિવારે સવારે પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લીટર પીવાનું કિંમતી પાણી રસ્તાઓ પર વહેતું થયું હતું, જેણે તંત્રની 'પાણી બચાવો'ની વાતોની પોલ ખોલી નાખી છે.

હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે ત્યારે જ મુખ્ય માર્ગો ખોદી નાખવામાં આવતા અને તેમાં પાણી ભરાતા કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. બસ સ્ટેશનથી નગરપાલિકા અને એસ.બી.આઈ. બેંક સુધીના માર્ગો પર પાણીની રેલમછેલ થતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે ઉત્સવોના સમયે લોકોએ ગંદકી અને ખાડાઓમાંથી પસાર થવું પડી રહ્યું છે.

સ્થાનિક વેપારીઓએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા અને સંબંધિત વિભાગો નિંદ્રામાં હોય તેમ જણાય છે. મોરબીના સ્થાપત્ય કન્ટ્રક્શન કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ન ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાની માંગ છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને પાણીનો વેડફાટ અટકાવી રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.