Gujarat

લખતરમાં તંત્રની બેદરકારીથી પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં હાલાકી

By GS TEAM
15 Dec 20252 mins read
લખતરમાં તંત્રની બેદરકારીથી પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં હાલાકી

- તંત્રને વારંવાર રજૂઆતો છતાં ઉકેલ નહીં 

- શહેરના વિવિધ વિસ્તારોમાં વાસ્મોની લાઇન લિકેજ થતાં નાગરિકો પાણીમાંથી ચાલવા મજબૂર

લખતર : લખતર શહેરના નાગરિકોને પુરતું અને નિયમિત પાણી મળી રહે તે માટે વાસમો દ્વારા ઘેર ઘેર પાણી માટે નલ સે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે પાણીની લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ આ કામગીરી નબળી કક્ષાનું થતું હોવાથી શહેરી વિસ્તારમાં ઠેર ઠેર પાણીની લાઈનો લીકેજ થતા પાણીનો મોટાપાયે વેડફાટ થતો હોવાથી સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.

લખતર શહેરમાં પાણીની લાઈન નાખવામાં આવતી હતી ત્યારથી જ કામગીરી નબળી થતી હોવાની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. લખતર શહેરની અંદર પાણી વિતરણ સમયે શાક માર્કેટ, મેઈન બજાર, ઉપાશ્રય શેરી, લીંબડા બજાર, પાતળીયા હનુમાન મંદિર રોડ, માઢ મેડી સહિત અનેક વિસ્તારમાં પાણીની લાઈન વારંવાર લીકેજ થતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ વાસ્મોની લીકેજ લાઈનથી મોટા પ્રમાણમાં પાણીનો પણ વેડફાડ થઈ રહયો છે. જ્યારે લખતરની શાક માર્કેટ, મુખ્ય બજાર, ઉગમણા દરવાજા, કાદેસરની બારી સુધી પણ પાણી પહોંચતા નાગરિકો, રાહદારીઓ, વાહન ચાલકોને ચાલવામાં મુશ્કેલી પડી રહ્યું છે. જ્યારે તંત્ર દ્વારા લખતર શહેરમાં વારંવાર પાણી લીકેજ થતું હોવા છતાં સ્થાનિક તંત્રના સત્તાધીશો કોઈ જ યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે. એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું અને નિયમિત નથી મળી રહ્યું ત્યારે બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે પાણીનો વેડફાટ થતો નજરે પડયો હતો.