વડોદરામાં બપોરે સવા ઇંચ જેટલા વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાયા
વડોદરામાં આજે પણ ઓરેન્જ એલર્ટ ઃ સિઝનનો કુલ ૩૭૭ મિમી પડયો
વડોદરા, તા.5 વડોદરા શહેર અને જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત રહી હતી. શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. આજે સવારથી સાંજે છ વાગ્યા સુધી સવા બે ઇંચ જેટલો વરસાદ શહેરમાં ખાબક્યો હતો. આ સાથે વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં બપોરે બેથી ચાર વાગ્યા સુધીમાં માત્ર સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો આ સાથે સવારે છથી સાંજે છ વાગ્યા સુધી ૬૦ મિમી વરસાદ પડતા વડોદરામાં સિઝનનો કુલ વરસાદ ૩૭૭ મિમી નોંધાયો છે. જિલ્લામાં વાઘોડિયામાં ૧૬, ડભોઇમાં ૧૧, પાદરામાં ૨૪, કરજણમાં ૩૫, શિનોરમાં ૨૮ અને ડેસરમાં ૪ મિમી વરસાદ પડયો હતો. સાવલીમાં વરસાદ નોંધાયો નથી. વડોદરા શહેર અને જિલ્લામાં સરેરાશ ૩૩૩.૮૮ મિમી વરસાદ નોંધાયો છે.
વડોદરામાં બપોરે સવા ઇંચ જેટલા વરસાદમાં જ એમજીરોડ, રાવપુરારોડ, દાંડિયાબજાર, વાઘોડિયારોડ તેમજ નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ જતા ટ્રાફિક વ્યવહારને અસર થઇ હતી. હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી ઘટીને ૩૧ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી વધીને ૨૬ ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ પશ્ચિમના ૧૦ કિલોમીટરના ગતિએ પવન ફૂંકાયા હતાં જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૧ અને સાંજે ૯૫ ટકા નોંધાયું હતું.