- સુરેન્દ્રનગર શહેરમાં 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ
- રસ્તા પર પાણી ભરાઇ રહેતા રહિશો અને બજારમાં ખરીદી કરવા આવતા લોકોને હાલાકી : તાત્કાલિક રિપેરિંગ હાથ ધરવા માંગ
સુરેન્દ્રગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ૫૦ કરોડથી વધુના ખર્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના અંતર્ગત પીવાના પાણીની પાઇપલાઇનનો નાખવામાં આવી છે. જોકે, શહેરની જનતાને શુદ્ધ પાણી વિતરણ માટે નાખવામાં આવેલી લાઇન વારંવાર લીકેજ થઈ રહી છે અને ફાટી જઈ રહી છે જેને લઇ નબળી કક્ષાની કામગીરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે.
જોરાવનગર વિસ્તારમાં મુખ્ય બજારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની નદીઓ વહી હતી, છતાં મનપા તંત્ર દ્વારા રિપેરિંગની કોઈ ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી નથી. હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પાણીની પાઈપલાઈન નાખતી વખતે અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. આ કારણોસર લાઈનો વારંવાર ફાટી રહી છે. એક તરફ પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે અને બીજી તરફ તંત્ર મૌન રહી તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.


