- કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ભાજપ પર પ્રહારો
- સરકાર અને તંત્ર દર મહિને હપ્તા લે છે માટે ડમ્પિંગ સાઇટ બેરોકટોક ચાલી રહી હોવાનો આક્ષેપ કરાયો
બાલાસિનોર : આખા ગુજરાતનો કેમિકલ ઉદ્યોગનો કચરો ઠાલવવા માટે બાલાસિનોરના જમિયતપુરામાં બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના ૧૫થી ૨૦ કિમીના વિસ્તારમાં પાણી, જમીન અને હવાનું ભારે પ્રદૂષણ ફેલાયું છે. બોરમાંથી લાલ રંગનું પાણી આવે છે. ત્યારે અહીંના લોકોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરાવવા માટે આગામી દિવસોમાં લડત આપવાનું એલાન કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન કરવામાં આવ્યું હતું.
બાલાસિનોરમાં શુક્રવારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, જમિયતપુરા ડમ્પિંગ સાઇટ બની ત્યારથી સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. આખા ગુજરાતનો અતિશય હાનિકારક ઔદ્યોગિક કચરો અહીં નાખવામાં આવે છે. લોકોના જીવન સાથે ચેડાં થઇ રહ્યાં છે. આસપાસના ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી દુર્ગંધ આવે છે. ખેતરના કૂવામાંથી લાલ રંગનું પાણી આવે છે. ડમ્પિંગ સાઇટના કેમ્પસમાં રિવર્સ બોર બનાવી તેમાં ઝેરી કેમિકલવાળુ પાણી ઠાલવાય છે, જેના કારણે જમીનના તળ બગડયાં છે.
ખેતીથી માંડીને લોકોને પીવા માટે પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે આ ડમ્પિંગ સાઇટ અહીંથી બંધ કરીને પ્રકૃતિના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવાય તેવી રજૂઆત આગામી દિવસોમાં વિધાનસભામાં પણ કરવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજકીય લોકોની મિલિભગત હોવાથી લોકોના જીવન સાથે ચેડાં થઇ રહ્યાં હોવા છતાં ડમ્પિંગ સાઇટ અંગે કોઇ પગલાં લેવાતા નથી. અહીંના લોકોને સાથે રાખી આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે. તેમજ ભાજપ સરકાર પર કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર અને તંત્ર દર મહિને હપ્તા લે છે. ત્યારે આ ડમ્પિંગ સાઇટ બેરોકટોક ચાલી રહી છે.


