Gujarat

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી

By GS TEAM
2 Aug 20252 mins read
નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી

આ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદ અને જળસંગ્રહ અસમતોલ  : રાજ્યમાં એકંદર જળસંગ્રહ ગત વર્ષથી વધારે છે પણ સૌરાષ્ટ્રના 24 ડેમોમાં માત્ર 10 ટકાથી ઓછો સંગ્રહ

 રાજકોટ, : સરદાર સરોવરમાં આજે રાત્રિના આઠ વાગ્યાની સ્થિતિએ પણ 3,95,926 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું હતું અને આવક ઘટયા પછી પણ રાત્રે 2.93 લાખ ક્યુસેકની રહી હતી. 133.43 મીટરની સપાટીએ આ મહાકાય જળાશય 82.81 ટકા ભરાયો છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં એકંદરે સારો પણ વિષમ વરસાદના કારણે  હજુ 80 ડેમો અર્ધાથી પણ વધુ ખાલી છે. એક તરફ સુરેન્દ્રનગરજિ.માં 80, ભાવનગરમાં 97,સોમનાથ જિ.માં 75 ટકા જળસંગ્રહ છે તો દ્વારકા જિ.માં માત્ર 36 ટકા,જુનાગઢ, મોરબી, રાજકોટ,જામનગર જિ.માં 60 ટકાથી ઓછો સંગ્રહ છે. 

હજારો કરોડ રૂ।.નો ખર્ચ કરીને સૌની યોજના  નર્મદા ડેમનું ઓવરફ્લોથી વહી જતું પાણી સૌરાષ્ટ્રના 115 ડેમો તરફ વાળીને તેને નવપલ્લિત કરવા અમલી કરાઈ છે અને રાજકોટ જેવા શહેરોમાં આખુ વર્ષ પાણી વિતરણનો આધાર આ યોજના છે. હાલ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને મૌસમ વિભાગની આજની આગાહી મૂજબ આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી ત્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ પૈકી 80 જેટલા ડેમોમાં હજુ જળસંગ્રહ પૂરો પચાસ ટકા પણ થયો નથી અને તેમાં પણ 24 જેટલા જળાશયોમાં તો 10 ટકાથી ઓછો સંગ્રહ અર્થાત્ 90 ટકા ખાલી છે. 

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના જળાશયોની કૂલ સંગ્રહશક્તિ 91,413  એમસીએફટીની છે અને આનાથી વધુ પાણી નર્મદા ડેમમાં ગત એક પખવાડિયામાં આવ્યું હતું અને જંગી માત્રામાં છોડવામાં આવ્યું છે. જો આ પાણીને સૌની યોજનાથી સૌરાષ્ટ્રમાં વાળવામાં આવે તો જે ડેમોનું જળસ્તર તળિયે પહોંચ્યું છે તેમાં સંગ્રહ થઈ શકે તેમ છે.