Get The App

શહેરના બોરતળાવમાં ધસમસતી પાણીની આવક, સપાટી 2 ફૂટ વધી

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
શહેરના બોરતળાવમાં ધસમસતી પાણીની આવક, સપાટી 2 ફૂટ વધી 1 - image


- અગીયાળી સહિતના વિસ્તારમાં સારો વરસાદ પડતા પાણીની આવક 

- પાણીની આવક 10 ફૂટથી ઘટીને ર ફૂટ થઈ : બોરતળાવની સપાટી 37.9 ફૂટથી વધી  

ભાવનગર : ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગત ગુરૂવારે રાત્રીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા બોરતળાવ (ગૌરીશંકર તળાવ)માં પાણી ધસમસતી આવક શરૂ થઈ હતી, જેના કારણે બોરતળાવની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. 

જિલ્લાના અગીયાળી ગામ, ખોખરા સહિતના વિસ્તારમાં ગત ગુરૂવારે સારો વરસાદ પડયો હતો. ભીકડાના કેચમેન્ટ વિસ્તાર ધોધમાર વરસાદ પડયો હતો, જેના પગલે ભીકડા કેનાલમાંથી પાણી બોરતળાવમાં આવી રહ્યુ હતું. બોરતળાવમાં આજે શુક્રવારે સવારે ૧૦ ફૂટ પાણીની આવક થઈ રહી હતી અને સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારબાદ સાંજના સમયે પાણીની આવક ઘટીને ર ફૂટ થઈ ગઈ હતી. બોરતળાવની સપાટી ગત ગુરૂવારે ૩પ.૮ ફૂટ હતી પરંતુ આજે ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે સપાટી ર ફૂટ વધીને ૩૭.૯ ફૂટ થઈ હતી. રાત્રીના સમયે પાણીની આવક શરૂ હતી તેથી બોરતળાવની સપાટીમાં હજુ વધારો થવાની શકયતા છે. 

બોરતળાવની કુલ સપાટી ૪૩ ફૂટ છે તેથી હજુ બોરતળાવ આશરે પ ફૂટ ખાલી છે. આગામી દિવસોમાં હજુ સારો વરસાદ આવશે તો બોરતળાવ છલકાશે તેમ જણાય રહ્યુ છે. બોરતળાવ છલકાવાની ભાવનગરના લોકો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. 

બોરતળાવમાં સૌની યોજનાના પાણીની પણ આવક શરૂ 

ભાવનગર શહેરના બોરતળાવમાં છેલ્લા થોડા દિવસથી સૌની યોજનાનુ પાણી ઠાલવવામાં આવી રહ્યુ છે અને દરરોજ આશરે ૬૦ એમએલડી પાણી બોરતળાવમાં આવી રહ્યુ છે પરંતુ હાલ ઉપરવાસમાં સારો વરસાદ થતા હવે સૌની યોજનાનુ પાણી બંધ કરાવવાની વિચારણા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. 

ખોડીયાર તળાવની સપાટી 23.10 ફૂટે પહોંચી 

ભાવનગર જિલ્લાના રાજપરા ખોડીયાર તળાવની સપાટીમાં પણ વરસાદી પાણીની આવક શરૂ હતી, જેના પગલે તળાવની સપાટીમાં આશરે ૩ ઇંચનો વધારો થયો હતો. હાલ રાજપરા ખોડીયાર તળાવની સપાટી ર૩.૧૦ ફૂટે પહોંચી છે તેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી છે. 

Tags :