ટેકનોલોજી ફેકલ્ટીમાં 25 લાખ લીટર જેટલું પાણી ગટરમાં વહી જતું અટકશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં આજે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રોજેકટના કારણે ચોમાસામાં લગભગ ૨૫ લાખ લીટર જેટલું પાણી ગટરની જગ્યાએ ભૂગર્ભમાં ઉતરશે.
શહેરની સંસ્થા સોકલીન( સોસાયટી ફોર ક્લીન એન્વાર્ટમેન્ટ)ની મદદથી વોટર હાર્વેસ્ટિંગ માટે બોરવેલ બનાવવામાં આવ્યો છે.તેના માટે યુનિવર્સિટીના ઈન્સ્ટિટયુટ ઓફ ક્લાઈમેટ ચેન્જ રિસર્ચે મદદ કરી છે.આજે પ્રોજેકટના લોકાર્પણ સમયે ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડ તેમજ વાઈસ ચાન્સલેર પ્રો.ધનેશ પટેલ હાજર રહ્યા હતા.
ઈન્સ્ટિટયુટ ઓફ ક્લાઈમેટ ચેન્જ રિસર્ચના ડો.સંસ્કૃતિ મજુમદારે કહ્યું હતું કે, ટેકનોલોજી ફેકલ્ટીમાં જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં જ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેકટ હાથ ધરાયો છે.તાજેતરમાં પડેલા કમોસમી વરસાદમાં અહીંયા ભરાતું પાણી આ પ્રોજેકટના કારણે જમીનમાં ઉતરી ગયું હતું એટલે આશા છે કે, ચોમાસામાં ફેકલ્ટીમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે.
તેમના કહેવા પ્રમાણે વડોદરામાં ચોમાસા દરમિયાન ૮૦ ટકા પાણી ગટરોમાં વહી જાય છે.આ પાણીનો જો સંગ્રહ થાય તો તે વડોદરાના લોકોની બે મહિનાની જરુરીયાત પૂરી કરી શકે તેટલું હોય છે.બીજી તરફ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેકટ મોટા પાયે હાથ ધરવામાં આવે તો શહેરના ભૂગર્ભજળનું સ્તર પણ ઉંચુ આવશે અને તેની ગુણવત્તા પણ સુધરશે.આ પ્રકારના પ્રોજેકટ માટે સોકલીન અને ઈન્સ્ટિટયુટ ઓફ ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ વડોદરાના લોકોને મદદ કરશે.