વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં અટલાદરા બિલથી પસાર થતી કેનાલમાં મસ મોટું ગાબડું તથા ઠેર ઠેર તિરાડો પડી જવાના કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા રોડ રસ્તા પર ઠેર ઠેર વરસાદી પાણી વહી રહ્યા છે. પરિણામે ચાલતા જતા રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે જ્યારે દ્વિચક્રી વાહન ચાલકોએ ખૂબ કાળજીથી પોતાનું વાહન ચલાવવું પડે છે જ્યારે અન્ય મોટા વાહન પસાર થતા ચારે બાજુએ પાણી ઉડતા રાહદારીઓના કપડા પણ ભીંજાઈને ખરાબ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અટલાદરા બિલ પેનલ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટુ ગાબરુ પડી ગયું છે. પરિણામે કેનાલમાં છોડાતું પાણી આસપાસના ખેતરોમાં જવાના બદલે રોડ રસ્તા પર ફરી વળ્યા હતા. આ પાણીનો ઉપયોગ ખેડૂતોને ખેતરમાં વાવેલા પાકને પોષણમાં થાય છે. આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. રોડ પરથી પસાર થતાં લોકોને કપડાં સંકોરીને ચાલવાનો વખત આવ્યો છે જ્યારે દ્વિચક્રી વાહનચાલકોએ ખૂબ જ કાળજી રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી અન્યથા પાણીમાં બાઈક સ્લીપ થઈ જવાથી ભીંજાવાની નોબત પણ ચાલકને ગભરાવી રહી છે. જ્યારે રોડ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી મોટા વાહનો પસાર થતાં તેનાથી ઊડતી છાલકોથી રાહદારીઓના કપડા પણ ગંદા થઈ રહ્યા છે.
સતત રોડ રસ્તા પર ફરી વળેલા પાણીના કારણે રસ્તા પણ તૂટી જવાનો ભય વધી ગયો છે. હજી ચોમાસામાં રોડ પર પડેલા ગાબડા કેટલીય જગ્યાએ રીપેર થયા નથી. જ્યારે આવી રીતે કેનાલમાં મોટું ગાબડું પડતા હાલનો ઉબડખાબડ રસ્તો પણ વધુ તૂટવાની શક્યતા નકારી શકાતી નથી. જોકે કેનાલનું પાણી છોડતા અગાઉ પસાર થતી કેનાલમાં ગાબડા તિરાડો અંગે તંત્ર દ્વારા ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. અટલાદરા બિલ કેનાલની દિવાલો પર પણ ઠેર ઠેર નાની મોટી તિરાડો પડી ગઈ છે. પરિણામે આ તિરાડો માંથી પણ પાણી સતત બહાર આવ્યા કરે છે. હાલમાં કેનાલના ગાબડાનું ભંગાણ સત્વરે રીપેર નહીં થાય તો સ્થાનિક લોકોના ઘરોમાં પણ કેનાલનું પાણી ભરાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી.









