ધોળકા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર
ખેતરોમાં પાણીના ભરાવાથી ડાંગર સહિતનો પાક કહોવાયો
ખેતરમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાયા, નુકસાનીનો સર્વે કરાવી વળતર ચુકવવા માંગ
બગોદરા - ધોળકા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી કિનારાના ૧૮થી વધુ ગામોમાં કેડસમા પાણી ભરાયા છે. ખેતરોમાં પાણીના ભરાવાથી ડાંગર સહિતનો પાક કહોવાયો છે. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરાવી સરકાર પાસે વળતર ચુકવવા માંગ કરી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાના કારણે મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે, તો વળી ક્યાંક પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાના કારણે ધરોઇ ડેમની જળસપાટી વધી છે, આવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. વાસણા બેરેજના ૨૭ દરવાજા ખોલવામાં આવતા ધોળકા તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ આવ્યો હતો.
આના કારણે ધોળકા તાલુકાના સરોડા, ચંડીસર, ધુળજીપુરા, આંબલીયારા, સાથળ, સહીજ, વૌઠા, ખાત્રીપુર, ગીરદ, ગણોલ, ગાણેસર, પીસાવાડા, ઇંગોલી, વીરડી, લોલીયા, સમાણી, વટામણ, રામપુર, ભોળાદ, મોટીબોરુ, નાની બોરુ અને અંધારી જેવા ગામોના સીમ વિસ્તારના ખેતરોમાં સાબરમતી નદીના પાણી ભરાઈ ગયા હતા.
ખેતરો બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો દ્વારા સરકારી તંત્ર પાસે પૂર અસરગ્રસ્ત ગામોનો સર્વે કરાવી, નુકસાની સંદર્ભે સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી રહી છે.