જામનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલનું પાણી છોડવામાં આવતાં ટાઉનહોલ નજીકના વિસ્તારમાં રેલમછેલ
Jamnagar : જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેકસ કે જેમાં સ્વિમિંગ પૂલ આવેલો છે, જેનું પાણી આજે સવારે એકાએક છોડવામાં આવ્યું હતું, અને તે પાણી ટાઉનહોલ નજીકના વિસ્તારમાં ફરી વળતાં પાણીની રેલમેછેલ જોવા મળી હતી.
આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં સ્વિમિંગ પૂલનું પાણી બદલાવાના ભાગરૂપે ખાલી કરવા જતાં તે પાણી સ્વિમિંગ પૂલની બહાર નીકળીને નીલકંઠ ચોક સહિત ટાઉનહોલના આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું હતું, અને પાણી ની રેલમછેલ જોવા મળી હતી. વગર ચોમાસે પાણીની નદી વહેતી થતાં કેટલાક વાહનચાલકોએ હાલાકી વેઠવી પડી હતી. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે ભૂગર્ભ ગટરના ઢાંકણા વગેરે ખોલીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ મોડેથી પાણી સુકાયું હતું.