એક-બે ઈંચ વરસાદમાં જ પાણી ભરાયાં વિશ્વામિત્રી નદી સિવાય બધે જ પાણી
પાણીનો નિકાલ કરવાની સચોટ વ્યવસ્થા નહીં હોવાથી સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા
વડોદરા,એક તરફ સરકાર દાવો કરી રહી છે કે આ વખતે અને હવે પછીના વર્ષો સુધી વડોદરામાં વરસાદમાં પૂર નહીં આવે, બીજી તરફ ભરઉનાળામાં એક-બે ઈંચ વરસાદથી આખા શહેરમાં પાણી ભરાઈ ગયા છે.
ગયા વર્ષે ૨૪ જુલાઈના રોજ પહેલું પૂર વહીવટી નિષ્ફળતા અને પ્રિ-મોન્સૂન કામગીરીમાં ગેરરીતિને કારણે આવ્યું હતું, આ વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી માટે બજેટ ચાર ગણું વધારવામાં આવ્યું છે. આજે ફક્ત એક-બે ઈંચ વરસાદમાં શહેરના દરેક વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળે છે. બધાં કુદરતી નાળા અને નદી ખાલી થઈ જાય છે, પણ ખામીયુક્ત ડિઝાઈન, લેવલ અને વરસાદી ગટરોની સફાઈના અભાવે પાણી ભરાય છે, તેમ જણાવી કોર્પોરેશનમાં વિપક્ષના પૂર્વ નેતાએ કહ્યું છે કે, શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી ગટરનો ઉપયોગ ડ્રેનેજ સિસ્ટમ તરીકે થાય છે, પરિણામે મોટાભાગના વિસ્તારોમાં ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થઈ ગયું હતું. 'વિશ્વામિત્રી સિવાય શહેરમાં બધે પાણી જ હતું' એવો ટોણો તેમણે વહીવટી તંત્રને માર્યો હતો.
વડોદરામાં પ્રિ-મોન્સૂનની નબળી કામગીરી અને પાણીના કુદરતી માર્ગો પરના દબાણને કારણે પાણી ભરાય છે. વિશ્વામિત્રી સાથે જેને લેવા દેવા નથી તેવા વિસ્તારો જેમ કે તરસાલી, માંજલપુર, વાઘોડિયા રોડ, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, ઈલોરાપાર્ક વગેરે વિસ્તારોમાં સ્થાનિક પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા છે. આડેધડ દબાણો, કાટમાળનો ડમ્પિંગ અને કુદરતી વરસાદી કાંસ પર દબાણો થતા પાણી ભરાય છે. સ્થાનિક પૂરને પહોંચી વળવાનું આયોજન હાથ ધરવા તેમણે માગ કરી છે.