Gujarat

શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો

By GS TEAM
16 Oct 20252 mins read
શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો

- વીજ ફોલ્ટના કારણે તરસમિયા ફિલ્ટર પ્લાન હેઠળના ઘણાં વિસ્તારોને પાણી ન મળ્યું

- 10 દિવસથી પાણીના ધાંધિયાના કારણે લોકો ગળે આવ્યા, શહેરીજનોના મૌનની પરીક્ષા લેવાની મનપા બંધ કરે

ભાવનગર : વર્ષ કરોડો રૂપિયાનો વેરો અને પાણી ચાર્જ વસૂલતી બીએમસીએ શહેરીજનો માટે દિવાળી ટાણે જ પાણીની હોળી સળગાવી છે. દિવાળીમાં પાણીનું વિતરણ વધારવાના બદલે અગાઉ રિપેરીંગ-વીજકાપના નામે અને આજે અણધાર્યો પાણીકાપ ઝીંકી શહેરીજનોને બાનમાં લેવામાં આવ્યા હતા.

શહેરના તરસમિયા ફિલ્ટર પ્લાન હેઠળ આવતા કાળિયાબીડ, ઘોઘારોડ, અધેવાડ, તળાજા રોડ સહિતના વિસ્તારોમાં સવારે ૯-૩૦ કલાક બાદ થતું પાણી વિતરણ ઠપ્પ રહ્યું હતું. અચાનક અને અણધાર્યો પાણીકાપ ઝીંકવામાં આવતા હજારો નાગરિકો સવારથી બપોર અને બપોરથી રાત સુધી પાણીની રાહે બેઠા રહ્યા હતા. ઘરમાં વાપરવા માટે પાણી ન હોવાથી ઘણાં લોકોની હાલત કફોડી બની હતી.

ઉલ્લેખનિય છે કે, શહેરને પાણીની જરૂરિયાતમાંથી ૭૦ એમએલડી પાણી મહિપરીએજમાંથી મળે છે. પરંતુ મહિપરીએજની કેનાલના રિપેરીંગના વાંકે અને અધૂરામાં પૂરૂં વીજકાપના કારણે છેલ્લા દસેક દિવસથી પાણીનું વિતરણ અનિયમિત થઈ રહ્યું છે. મંગળવારથી નિયમિત પાણી આપવાના દાવાની આજે ફરી હવા નીકળી ગઈ હતી. છેલ્લા ૧૦ દિવસથી પાણીના ધાંધિયા રહેતા લોકો ગળે આવી ગયા છે. ત્યારે મહાપાલિકા હવે શહેરીજનોના મૌનની પરીક્ષા લેવાની બંધ કરે તેવી રોષ સાથે લાગણી વ્યક્ત કરાઈ રહી છે.

આ અંગે મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારીનો સંપર્ક સાધતા તેમણે નાવડા પાસે વીજ ફોલ્ટ આવતા પાણી વિતરણ ઠપ્પ રહ્યાનું જણાવ્યું હતું.