કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ
- સત્વરે યોગ્ય તપાસ કરી સમારકામની માંગ
- એસટી બસ સ્ટેન્ડ પાણીથી તરબોળ થયું વિદ્યાર્થીઓ, મુસાફરોને અકસ્માતનો ભય
કપડવંજ : કપડવંજના એસટી બસ સ્ટેશનમાં ચાલુ વરસાદે છત પરથી ચારે બાજૂથી પાણી લિકેજ થતા મુસાફરો ભારે હાલાકીમાં મૂકાયા હતા. ત્યારે જર્જરિત છતથી અકસ્માત થાય તે પહેલા સમારકામ કરવા માંગણી ઉઠી છે.
કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં આજે ભયજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે સવારે ચાલુ વરસાદમાં બસ સ્ટેન્ડની ચારે બાજૂ છતમાંથી પાણી પડી રહ્યું હતું. ત્યારે છત હોવા છતાં બસ સ્ટેન્ડ પાણીથી તરબોળ થઈ ગયું હતું. જર્જરિત છતનો ભાગ ગમે ત્યારે પડે તો ગંભીર અકસ્માત સર્જાવાનો ભય મુસાફરો અને વિદ્યાર્થીઓમાં ઉભો થયો છે. ઉનાળામાં બસ સ્ટેન્ડમાં એક પણ પંખો લગાવેલો ન હતો.
ત્યારે છત પરથી ટપકતા પાણીની ગંભીરતા ધ્યાને લઈ વાહન વ્યવહાર વિભાગ ત્વરિત યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે તેવી મુસાફરોમાં માંગણી ઉઠી છે.