Get The App

આણંદના તારાપુરના 5 ગામોમાં પાણી ઘૂસ્યા : ઘરોમાં 2 ફૂટ પાણી

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
આણંદના તારાપુરના 5 ગામોમાં પાણી ઘૂસ્યા : ઘરોમાં 2 ફૂટ પાણી 1 - image


- સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના કારણે પૂરની સ્થિતિ

- રીંઝા ગામમાં 7 વ્યક્તિઓનું રેસ્ક્યૂ : તંત્રએ ટ્રેક્ટરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું : એમ્બ્યૂલન્સ સાથે આરોગ્ય વિભાગની ટીમો પણ મોકલાઈ

તારાપુર : સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે તારાપુર તાલુકાના નદી કિનારા પર આવેલા નભોઈ, રિંઝા, ફતેપુરા, કલોદરા, ખડા ગામોમાં પાણી ફરી વળ્યા છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા રીંઝા- નભોઈ- ફતેપુરા રસ્તો બંધ કરી દેવાયો છે. રીંઝા ગામમાં ફસાયેલા ૭ વ્યક્તિઓને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરવા પડયા હતા. ત્યારે તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે પેટ્રોલિંગ હાથ ધરાયું છે. 

તારાપુર તાલુકાના નભોઈ ગામમાં ૫૦ એક ઘરોમાં બે ફૂટ પાણી ભરાયા છે. નભોઈ ગામની દૂધ મંડળી અને ગ્રામ પંચાયત ઘર આગળ પાંચ ફૂટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે. ઘરોમાં પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નભોઈ ગામ પ્રાથમિક શાળામાં પણ બે એક ફૂટ પાણી ભરાઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાડમારી ભોગવવા મજબૂર બન્યા છે. હજુ પણ પાણીનો પ્રવાહ સતત વધવાથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાબરમતી નદી સ્થિત વાસણા બેરેજમાંથી સતત પાણી છોડાતા તારાપુર તાલુકાના નદી કાંઠાના ગામો સહિત સીમ વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા ગત વર્ષની માફક આ વર્ષે પણ ડાંગરનો પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને છે. પ્રાંત અધિકારી, તારાપુર મામલતદાર સહિત સ્થાનિક વહીવટી તંત્ર નદી કાંઠાના ગામોમાં ટ્રેક્ટર દ્વારા સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. પાણી ના સતત પ્રવાહને લઈ એનડીઆરફે રેસ્ક્યુ ટીમને પણ વિસ્તારમાં મોકલી દેવાઈ છે. એમ્બ્યુલન્સ સાથે તાલુકા હેલ્થની ટીમ પણ આરોગ્યલક્ષી કામગીરી માટે મોકલી આપવામાં આવી છે.

રીંઝા ગામેથી સાબરમતી નદીના સામે કિનારે ખેતી કરવા માટે ગામના કેટલાક લોકો ગયા હતા. જેઓ સીમ વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા ફસાઈ ગયા હતા. જે અંગે તારાપુર મામલતદારનો સંપર્ક કરાતા એનડીઆરએફની ટીમે બોટ મારફતે ચાર પુરૂષ અને ત્રણ મહિલાઓ સહિત ૭ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢ્યા હતા. 

Tags :