Get The App

શહેરમાં પાણીનો પોકારઃ મનપાએ પોણા 3 માસમાં પાણીના 1,368 ટેન્કર દોડાવ્યાં

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
શહેરમાં પાણીનો પોકારઃ મનપાએ પોણા 3 માસમાં પાણીના 1,368 ટેન્કર દોડાવ્યાં 1 - image


- મનપાના વોટર વર્કસ વિભાગના સબ સલામતના દાવા પરંતુ પાણીની સમસ્યા યથાવત 

- માર્ચથી મે માસ સુધી પાણીની માંગમાં વધારો થતા ફરિયાદ માટેના ફોન રણકવા લાગ્યાં, શહેરના જુદા જુદા વિસ્તારમાં આયોજનના અભાવે દરરોજ ૧૮ જેટલા પાણીના ટેન્કર મોકલાય છે 

ભાવનગર : ઉનાળાની ગરમીની શરૂઆત થતા પાણીની માંગ વધી જતી હોય છે તેથી પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે, જેના પગલે ભાવનગર મહાપાલિકાએ પાણીના ટેન્કર દોડાવવા પડતા હોય છે. મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી સમસ્યા યથાવત હોવાનુ જણાઈ રહ્યુ છે, જેના કારણે આશરે છેલ્લા પોણા ત્રણ માસમાં મનપાના ફિલ્ટર વિભાગે આશરે ૧,૩૬૮ પાણીના ટેન્કર દોડાવ્યા હતા અને લોકોને પાણી પુરૂ પાડયુ હતું. 

ગત વર્ષે સારો વરસાદ થતા ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ભરાયોલો છે, બોરતળાવ, ખોડીયાર ડેમ પણ ભરાયેલો છે. મહીપરીએજનુ પાણી પણ ભાવનગરને મળે છે તેથી પાણીનો જથ્થો પુરતો છે. જેના કારણે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પાણીની સમસ્યા ઓછી જોવા મળી છે. પરંતું, પુરતું પાણી હોવા છતા આયોજનના અભાવે, પાવરકાપ, ડ્રેનેજ ભળી જવી વગેરે પ્રશ્નનોના કારણે લોકોએ પાણીના ટેન્કર મંગાવ્યા હતાં. નગરસેવક, પદાધિકારીઓ, વોટર વર્કસ વિભાગને પણ પાણીની ફરિયાદ મળતા તેઓ પણ ફિલ્ટર વિભાગને જે તે વિસ્તારમાં પાણીના ટેન્કર મોકલવા જણાવતા હોય છે, જેના પગલે ગત માર્ચ માસની શરૂઆતથી લઈ ગત  ૧૯ મે દરમિયાન મનપાના ફિલ્ટર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧,૩૬૮ પાણીના ટેન્કર મોકલ્યા હતાં. આ અંગે ફિલ્ટર વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, શિયાળા અને ચોમાસાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગ વધતા રોજ આશરે ૧૭ પાણીના ટેન્કર જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવતા હોય છે. કેટલાક સ્લમ વિસ્તારમાં તેમજ ઉંચાણવાળા વિસ્તારમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. આ ઉપરાંત નળ કનેકશન ન હોય તેવા વિસ્તારમાં પાણીની જરૂરીયાત વધુ રહેતી હોય છે. શહેરમાં પાણીની ઓછી સમસ્યા છે છતા આટલા બધા પાણીના ટેન્કર જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવે છે જો વધુ ફરિયાદ હોય તો સ્થિતી કફોડી થઈ શકે તેમ ચર્ચાય રહ્યુ છે. 

દરેક નગરસેવક એક માસમાં પાણીના 15 ટેન્કર મંગાવી શકે 

ભાવનગર મહાપાલિકામાં પર નગરસેવક છે અને આ તમામ નગરસેવકો દર માસે પાણીના ૧પ ટેન્કર મંગાવી શકે છે તેવો નિયમ મહાપાલિકામાં છે. ઉનાળાની ગરમીના દિવસોમાં પાણીની સમસ્યાના પગલે કેટલાક વોર્ડના નગરસેવકોને ૧પ ટેન્કર પણ ઓછા પડતા હોય છે તેથી મેયર અથવા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને રજૂઆત કરવામાં આવતી હોય છે. 

ખાનગી ટેન્કરચાલકો રૂ. 600 થી વધુ વસુલતા હોવાની ચર્ચા 

ભાવનગર શહેરમાં કેટલાક ખાનગી ટેન્કર ચાલકો પણ પાણી પુરૂ પાડવાની કામગીરી કરતા હોય છે અને આ ટેન્કર ચાલકો એક પાણીના ટેન્કરના આશરે રૂ. ૬૦૦થી રૂ. ૭૦૦નો ભાવ વસુલતા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આ પાણીના ટેન્કરો લોકોને મોંઘા પડતા હોય છે પરંતુ પાણીની સમસ્યા જે વિસ્તારમાં હોય છે અને પાણીની જરૂરીયાત વધુ હોય છે તે વિસ્તારના લોકોને ના છુટકે મોંઘા ભાવના પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે, જે ગંભીર બાબત છે ત્યારે મહાપાલિકાએ લોકોને પુરતુ પાણી મળી રહે તે માટે તત્કાલ યોગ્ય આયોજન કરવુ જરૂરી છે.  

પોણા ત્રણ માસમાં પાણીના ટેન્કર મોકલ્યાની આંકડાકીય માહિતી 

માસ

ટેન્કર 

માર્ચ

૪૩૯ 

એપ્રિલ

૬૦૮ 

મે

321

Tags :