Gujarat

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ

By GS TEAM
1 Nov 20252 mins read
સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ

ગટર અને પાણીની લાઇનનો ફરીવાર કકળાટ

ગંદા પાણીના નિકાલના નવા નેટવર્ક માટેની કામગીરી તાજેતરમાં થઇ હોવાથી મેટલ સપોર્ટ ખસી જવાથી બનાવ બન્યાની શક્યતા

ગાંધીનગર :  પાટનગરમાં લાઇનો તૂટવાનો કકળાટ હજુપણ પુરો થયો નથી. નવા સેક્ટરોમાં પાણીના વિતરણની જુની લાઇનો નહીં બદલવા સરકારે કરેલા નિર્ણયના પગલે આ વિસ્તારમાં સમસ્યાનો અંત આવે તેવું નથી. શનિવારે સેક્ટર ૭ પાસે લાઇન તૂટતાં પાણીની રેલમછેલ થઇ હતી. ગંદા પાણીના નિકાલના નવા નેટવર્ક માટેની કામગીરી તાજેતરમાં થઇ હોવાથી મેટલ સપોર્ટ ખસી જવાથી બનાવ બન્યાની શક્યતા વ્યક્ત થઇ છે.

શહેરના સેક્ટર વિસ્તારમાં હવે ૨૪ કલાક પાણીની યોજનાને સાકાર કરવા માટે પ્રેસર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના માટે પાણીની લાઇનોમાં ૨૪ કલાક માટે ૨૫ લાખ લિટરના ફોર્સથી પાણી છોડવાનું અનિવાર્ય છે. તંત્ર દ્વારા તેના અનુસંધાને ટેસ્ટિંગ અને ટ્રાયલ રન ચલાવાઇ રહ્યાં છે. જે પૂર્ણ થવા તરફ છે અને વધુમાં વધુ દશેક દિવસમાં સવારે માત્ર બે કલાકના બદલે ૨૪ કલાક પાણી પુરવઠો ચાલુ કરવાની દિશામાં તંત્ર અંતિમ પડાવે પહોંચી ગયું છે. ત્યારે શનિવારે સેક્ટર ૭ નજીક જમીનમાંથી જળ પ્રવાહ વહેતો થયો હતો. થોડા સમય પહેલાં જ જ્યાં ગંદા પાણીના નિકાલની પાઇપ લાઇન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યુ હતું. ત્યાંથી પાણી વહેવા લાગતાં પાણીની લાઇન તૂટયાનો અંદાજ લગાવાયો છે. આમ થવા પાછળ બે કારણ હોવાની ઇજનેરી સુત્રોમાં ચર્ચા છે. એક તો ગટરની લાઇન માટે ખોદકામ થયા બાદ પડેલા મુશળધાર વરસાદના કારણે માટીનું સેટલમેન્ટ થવાથી મેટલ સપોર્ટ ખસી ગયો હોય અને બીજુ નવા સેક્ટરોમાં પાણીની લાઇનો જુની જ ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો હોવાથી તેમાં માીના દબાણના કારણે લીકેજ પડી ગયુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.