સુરતીઓ વેકેશન મોડ પર હોવાના કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો

Surat : સુરતીઓએ દિવાળીની ઉજવણી પહેલા ઘર સફાઈ કરી હતી તેના કારણે પાણીની ડિમાન્ડમાં વધારો થયો હતો અને એક તબક્કે પાણીનો સપ્લાય 1631 એમ.એલ.ડી. પર પહોંચી ગયો હતો. જોકે, હાલમાં આ વપરાશ ઘટીને 1546 એમ.એલ.ડી. પર આવી ગયો છે. જોકે, હજી પણ સુરતીઓ વેકેશન મોડમાં હોય આ સપ્લાય હજી પણ ઘટાડો જોવા મળી શકે છે.
સુરત પાલિકા વિસ્તારમાં વસતા લોકો માટે પાલિકા દ્વારા પ્રતિ રોજ સરેરાશ 1590 એમ.એલ.ડી. પાણી પુરવઠો આપવામાં આવે છે. પરંતુ દિવાળીના તહેવાર પહેલા પાણીની ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળે છે અને એક તબક્કે સુરત પાલિકા દ્વારા અપાતા પાણીનો જથ્થો 1631 એમ.એલ.ડી. (મીલીયન લીટર પર ડે) પહોંચી ગયો હતો. દિવાળીના પહેલા સુરતીઓ ઘર અને ઓફિસની સાફ સફાઈ કરતા હોય પાણીની ડિમાન્ડમાં વધારો થાય છે. પરંતુ દિવાળી બાદ સુરતને કર્મભૂમિ બનાવી રહેતા અન્ય રાજ્ય કે અન્ય શહેરના લોકો પોતાના વતન તરફ મોટી સંખ્યામાં પહોંચી જાય છે.
જેના કારણે હાલ સૌરાષ્ટ્રીયન બહુમતી તથા પરપ્રાંતિય વસ્તી ધરાવતા વિસ્તારમાં વસ્તી ઓછી જોવા મળે છે તેથી પાણીની ડિમાન્ડમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષના સામાન્ય દિવસ પહેલા પાલિકા દ્વારા 1590 એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે. જ્યારે દિવાળીમાં ડિમાન્ડ વધીને 1631 એમ.એલ.ડી. સુધી પહોંચી ગઈ હતી. પરંતુ સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર જતા રહેતા પાણીની ડિમાન્ડ ઘટી 1546 એમ.એલ.ડી. સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે દિવાળીમાં પાણીનો ઉપયોગ થયો હતો જેના કરતા 85 એમ.એલ.ડી. પાણીનો જથ્થો ઓછો થઈ ગયો છે.

