પાણીનો વપરાશ પાંચ એમએલડી ઘટીને આખરે ૬૦ એમએલડી પર આવી ગયો

પાટનગરના રહેવાસીઓને ઠંડીનો અનુભવ
આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે તો નભોઇ પમ્પિંગ સ્ટેશન પરથી ઉપાડાતા પાણીનો જથ્થો ઘટાડવા વિચારાશે
ગાંધીનગર : પાટનગરમાં ૨૪ કલાક પાણીની યોજનાનો કથિત પ્રારંભ કરી દેવાયો છે. ત્યારે ઠંડીના માહોલ વચ્ચે નગરવાસીઓના પાણીના વપરાશમાં સામાન્ય ઘટાડો થયો છે. પાંચ એમએલડી જેટલા ઘટાડા સાથે હાલમાં પાણીનો વપરાશ ૬૦ એમએલડી આસપાસ આવી ગયો છે. મતલબ કે નગરવાસીઓને ઠંડી લાગી છે. હવે ઠંડી વધશે તો નભોઇ પમ્પિંગ સ્ટેશન પરથી ઉપાડાતા પાણીનો જથ્થો ઘટાડવા માટે તંત્ર વિચારાશે.
હાલની સ્થિતિએ શહેરમાં ૬૦ એમએલડી જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. પ્રેસર ટેકનોલોજીથી પાણી છોડાતું હોવાથી હવે પાણીની લાઇનો ભરવા માટે સેક્ટરના બોર ચલાવવાનો પ્રશ્ન ટેકનીકલી તો રહ્યો નથી. પરિણામે પાણીના વિતરણની લાઇનો રાત્રી દરમિયાન ભરવામાં ન આવે અને સીધુ જ ટાંકીઓમાંથી પાણી છોડવામાં આવે તેવી સ્થિતિ હોવાથી હવે બોરને સુકાઇ જતાં રોકવા માટે પણ તેને નિયમિત ચલાવવા જરૃરી બનતા હોવાનું સુત્રોએ કહ્યુ હતું તેના માટે થોડા સમય માટે બોરને મેન્ટેનન્સ પુરતા જ ચલાવવાના રહેશે. દરમિયાન પાણી નહીં મળવાની કે ઓછા દબાણની ફરિયાદોમાં પણ સતત ઘટાડો આવી રહ્યો છે. દરમિયાન શિયાળુ માહોલ જામવાની સાથે પાટનગરમાં આપવામાં આવતા પાણીના પુરવઠા સંબંધમાં સુત્રોએ જણાવ્યું કે પાણીનો વપરાશ ઘટીને ૬૦ એમએલડી આસપાસ પહોંચી ગયો છે. ઠંડી જો કાતિલ બનશે તો હજુ પણ સ્વાભાવિક રીતે ઘટાડો થઇ શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિ દરમિયાન તો નભોઇ પમ્પિંગ સ્ટેશન પરથી દરરોજ ઉપાડવામાં આવતાં પાણીના જથ્થામાં કોઇપણ ઘટાડો કરવામાં આવ્યો નથી. પરંતુ વપરાશ વધુ ઘટશે તો ઓછો જથ્થો ઉપાડવા સંબંધે વિચારણા કરાશે.









