Get The App

કૃતિપાર્ક સોસાયટીના એક ઘરનું પાણીનું જોડાણ કપાયું, બીજાને નોટિસ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
કૃતિપાર્ક સોસાયટીના એક ઘરનું પાણીનું જોડાણ કપાયું, બીજાને નોટિસ 1 - image


- કરમસદ- આણંદ મનપા દ્વારા ચાવડાપુરાની

- પ્રેરણા બંગ્લોઝમાં પણ ઘર માલિકને નોટિસ  રસ્તા ઉપર ખાળકુવાનું પાણી કાઢતા કાર્યવાહી 

આણંદ : આણંદના ચાવડાપુરાની કૃતિ પાર્ક સોસાયટીમાં રસ્તા ઉપર પાણી કાઢતા રહીશના બોરનું કનેક્શન કાપવા સાથે અન્ય એક ઘર માલિકને નોટિસ આપવામાં આવી હતી. પ્રેરણા બંગ્લોઝમાં પણ એક ઘર માલિકને પાણી બહાર કાઢવા સંદર્ભે નોટિસ ફટકારાઈ છે.

આણંદ મહાનગરપાલિકાની ટીમની ચાવડાપુરા વિસ્તારની મુલાકાત દરમિયાન સેન્ટ ઝેવિયર્સ રોડ ઉપર આવેલી કૃતિ પાર્ક સોસાયટીમાંથી પાણી રોડ ઉપર કાઢવામાં આવી રહયાંનું ધ્યાને આવતાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

દરમિયાન કૃતિ પાર્કના ઘરોના ખાળકુવા ઉભરાતા હોવાનું અને તેનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર બહાર આવતું હોવાથી ચાવડાપુરા વિસ્તારમાં રહેતા લોકોને અવરજવરમાં તકલીફ પડવા સાથે રોગચાળો ફાટી નીકળવાનો ભય હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારે કૃતિ પાર્ક સોસાયટી ખાતે રહેતા નંદલાલભાઈ એમ. ડોડિયાના ઘરના પાણીના બોરનું કનેક્શન તાત્કાલિક અસરથી કાપવામાં આવ્યું છે. 

જ્યારે કૃતિ પાર્ક સોસાયટી ગેટ નં.-૧ ખાતે, ઘર નં.-૨મા રહેતા નિકુંજ વિષ્ણુભાઈ પટેલને પણ તેમના ઘરમાંથી બહાર કાઢવામાં આવતું પાણી અને ઉભરાતો ખાળકુવો તાત્કાલિક અસરથી બંધ કરવા નોટિસ આપવામાં આવી છે.

ઉપરાંત ચાવડાપુરા ખાતે પ્રેરણા બંગલોઝના ઘર નં.- ૫ના રહીશ રાજેશભાઈ મેકવાનના ઘરમાંથી પણ પાણી બહાર કાઢવામાં આવતું હોવાનું જણાતા નોટિસ અપાઈ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃતિ પાર્ક સોસાયટી ચાવડાપુરા ખાતે રહેતા નંદલાલભાઈ ડોડીયાને આ અગાઉ પણ મનપા દ્વારા ૪ વખત નોટિસ આપવા છતાં પણ તેમના દ્વારા જાહેર રસ્તા ઉપર પાણી કાઢવામાં આવતા મનપાની ટીમ દ્વારા આજે કાયદેસરની કાર્યવાહી કરી બોરના પાણીનું કનેક્શન કાપી દીધું હતું. 

પાણીનો વેડફાટ કરાશે તો મનપા કાયદેસરની કાર્યવાહી કરશે

આણંદ શહેરમાં ઘરમાંથી પાણી રસ્તા ઉપર કાઢવામાં આવશે અને પાણીનો વેડફાટ કરવામાં આવશે કે લોકોને તકલીફરૂપ બનશે તો તાત્કાલિક કાયદાની જોગવાઈને આધીન આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેમ મનપાએ જણાવ્યું છે.

Tags :