કંપનીના વોટર આઉટલેટમાંથી કેમિકલ મિશ્રિત પાણી લાવાની જેમ નીકળ્યું
વડોદરાઃ આગના કારણે ટેમ્પરેચર એટલી હદે વધી ગયુ હતુ કે, કંપનીના વોટર આઉલેટમાંથી કેમિકલ મિશ્રિત ઉકળતુ પાણી લાવાની જેમ નીકળ્યું હતુ.
ધડાકાએ તો યુધ્ધ વખતે ફેંકવામાં આવતા બોમ્બની યાદ દેવડાવી દીધી હતી.પ્લાન્ટના બોઈલરનો કાટમાળ તો એક કિલોમીટર વિસ્તારમાં ઉડીને ફેંકાયો હતો.એક કિલોમીટર વિસ્તારમાં આવેલી બીજી કંપીઓના કાચ અને પતરાને પણ નુકસાન થયુ હતુ.નેંદેસરી પોલીસ મથકમાં પણ બ્લાસ્ટની તિવ્રતા અનુભવાઈ હતી.
એ પછી ત્રણ કિલોમીટર વિસ્તારમાં કેમિકલની દુર્ગંધ ફેલાઈ હતી.કેમિકલની દુર્ગંધ એટલી તિવ્ર હતી કે, સ્થળ પર પહોંચેલા કલેકટર સહિતના અધિકારીઓને આગની જગ્યાએથી અડધો કિલોમીટર દુર જઈને બેઠક યોજવી પડી હતી.
દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોનુ કહેવુ હતુ કે, કંપનીનો કોઈ માણસ આગની ઘટના બાદ ત્યાં હાજર નહીં હોવાથી આગ બૂઝાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.કંપનીમાં એમોનિયા ગેસની પણ ટેન્કર હોવાથી પહેલા પવનની દિશા જોઈને પછી કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટે નવ એન્જિન, એક સ્નોર સ્કેલ, બે બૂમ વોટર બ્રાઉઝરનો ઉપયોગ કર્યો હતો.કામગીરીમાં બે સ્ટેશન ઓફિસર, એક સીએફઓ તથા ૪૫ ફાયર મેન અને કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા.
ગેલેરીમાં ઉભેલા લોકો નીચે પટકાયા
આગ સાથે બ્લાસ્ટના શોકવેવ્સથી નંદેસરી ગામમાં ભેંસનુ મોત
નંદેસરી જીઆઈડીસીની દિપક નાઈટ્રાઈટ કંપનીમાં લાગેલી આગની તિવ્રતા છેક નંદેસરી ગામના લોકોએ મહેસૂસ કરી હતી.એક તરફ આગના ગોટે ગોટા અને ધૂમાડા દસ થી પંદર કિલોમીટર દૂર સુધી દેખાતા હતા, બ્લાસ્ટનો અવાજ પણ પંદર કિલોમીટર દુર સુધી સંભળાયો હતો તો નંદેસરી ગામના લોકોને પણ તેનો વરવો અનુભવ થયો હતો.નંદેસરી ગામના તલાટીએ કહ્યુ હતુ કે, ધડાકાના કારણે જે શોકવેવ્સ ચારે તરફ ફેલાયા હતા તેમાં નંદેસરી ગામમાં એક ભેંસનુ મોત થયુ હતુ.એક-બે કિસ્સામાં તો પહેલા માળની ગેલેરીમાં ઉભેલા લોકો ગેલેરીમાંથી નીચે પણ પટકાયા હતા.
જો ટેન્કમાં વિસ્ફોટ થાય તો વડોદરાએ ક્યારેય ના જોઈ હોય તેવી હોનારત સર્જાઈ શકે તેમ છે
ઘટના સ્થળે હાજર જાણકારોના કહેવા પ્રમાણે કંપનીમાં એમોનિયાની ત્રણ ટેન્ક છે અને ત્યાં સુધી આગના પહોંચે તેના પર ફાયર બ્રિગેડના જવાનો ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.સૂત્રોનુ કહેવુ છે કે, જો ભૂલેચુકે પણ એમોનિયાની ટેન્ક સુધી આગ પહોંચે અને તેમાં બ્લાસ્ટ થાય તો વડોદરાએ ઈતિહાસમાં ક્યારેય ના જોઈ હોય તેવી હોનારત સર્જાઈ શકે છે.
કંપનીમાં કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોના કારણે ફાયર બ્રિગેડ દ્વારા આગ બૂઝાવવા માટે હાલમાં જે ઉપલબ્ધ છે તે તમામ પ્રકારના અત્યાધુનિક સાધનો મંગાવીને કામગીરી કરવામાં આવી રહી છે.
આસપાસની ૨૦ કંપનીઓ પણ બંધ કરીને કર્મચારીઓને બહાર કઢાયા
નંદેસરી જીઆઈડીસીના ઔદ્યોગિક જગતના સૂત્રોનુ કહેવુ હતુ કે, કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે, આસપાસની ૨૦ કંપનીઓની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી અને કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.દિપક નાઈટ્રાઈટમાં થઈ રહેલા ધડાકાના પગલે અન્ય કંપનીઓના કર્મચારીઓ પણ ગભરાઈ ગયા હતા.દરમિયાન વીજ કંપની દ્વારા પણ દિપક નાઈટ્રાઈટ અને તેની આસપાસની કંપનીઓનો વીજ પૂરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો.