Gujarat

બજેટનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણીનો મારો ચલાવાયો

By GS TEAM
19 Feb 20262 mins read
બજેટનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણીનો મારો ચલાવાયો

કોર્પોરેશન કચેરી બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

ચૂંટણીલક્ષી બજેટ ફક્ત ઠાલા વચનો અને પ્રજાને ગેરમાર્ગે દોરનારૃ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાના બજેટને મંજૂરી આપવા માટે આજે સામાન્ય સભા યોજાય એ પહેલા ગાંધીનગર કોંગ્રેસના કાર્યકરો દ્વારા બજેટમાં લોકવિરોધી મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેના પગલે વોટર બાઉઝર વડે પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી.

ગાંધીનગર મહાનગર-પાલિકાની આજે બજેટ મુદ્દે સામાન્ય સભા મળવાની હતી તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનું હોવાથી મનપા કચેરી છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા બજેટના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાથી મનપા તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. મુખ્ય ગેટ પર સઘન સિક્યુરિટી ગોઠવીને દરેક વ્યક્તિનું આઈકાર્ડ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્તની સાથે ફાયર બ્રિગેડ દ્વારા વોટર બાઉઝર પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. મહાનગર પાલિકા કચેરીના મુખ્ય ગેટ પર સિક્યુરિટી દ્વારા દરેક આવનાર-જનારના આઈકાર્ડ ચેક કરવામાં આવી રહ્યા હતા. પોલીસ ફોર્સની સાથે ફાયર બ્રિગેડના વોટર બાઉઝર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર કોંગ્રેસના કાર્યકરોએ મહાનગર પાલિકા કચેરીમાં પ્રવેશવાની પેરવી કરાઈ હતી પરંતુ કોંગ્રેસ મુક્ત મહાનગર પાલિકામાં કાર્યકરોને પ્રવેશવા દેવામાં આવ્યા ન્હોતા. જેના લીધે એક તબક્કે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે વોટર બાઉઝર ધ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ કાર્યકરોને બહાર લઈ જવામાં આવ્યા હતા.