રાજકોટમાં બાલાજી વેફરના ગોડાઉનના ચોકીદારને બંધક બનાવી 1.95 લાખની લૂંટ
મધરાત્રે ત્રાટકેલા 3 લુંટારૂઓનું કૃત્ય સીસીટીવીમાં ત્રણેય લુંટારૂઓ કેદ, ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ
રાજકોટ, : માધાપર ચોકડી પાસે આવેલા બાલાજી વેફરના ગોડાઉનમાં ગઈકાલે રાત્રે ત્રાટકેલા ત્રણ લુંટારૂઓ ચોકીદારને બંધક બનાવી રૂા. ૧.૯૫ લાખની લુંટ ચલાવી ભાગી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જો કે, પ્રાથમીક તપાસના અંતે પોલીસને લૂંટારૂઓના કોઈ સગડ મળ્યા નથી. જાણભેદુ હોવાની શક્યતા પણ પોલીસે નકારી નથી. ગાંધીગ્રામ અને ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
માધાપર ચોકડી પાસે બાલાજી વેફરની ડીલરશીપ ધરાવતા કલ્પેશ ગોરધનભાઈ અમરેલીયા (ઉ.વ. 50, રહે, મધુવન સોસાયટી શેરી નંબર-3, રૈયા ટેલીફોન એક્ષ્ચેંજ પાસે)નું ગોડાઉન છે. જયાં 19 કર્મચારીઓ કામ કરે છે. છેલ્લા બારેક વર્ષથી પુનાભાઈ રામભાઈ કાતડ ચોકીદાર તરીકે નોકરી કરે છે.
ગઈકાલે રાત્રે દોઢેક વાગે તે પાર્કીંગમાં સુતા હતા ત્યારે ડેલા પાસે અવાજ આવતા જાગી ગયા હતાં. જોયુ તો ડેલાની અંદર એક અજાણ્યો શખ્સ ઉભો હતો. તેણે કાળા કલરનું પેન્ટ અને ગંજી જેવું કાંઈક પહેર્યું હતું. માથે શાલ ઓઢેલી હતી. તેણે છરી બતાવી પુનાભાઈને કહ્યું કે, ડેલાની ચાવી આપી દો, જેથી પુનાભાઈ ડરી જતા ચાવી આપી દીધી હતી. તે સાથે જ તે શખ્સે ડેલો ખોલી નાખતા અંદર વધુ બે શખ્સો ધસી આવ્યા હતાં. બાદમાં ડેલો અંદરથી બંધ કરી દીધો હતો.
ત્રણેય શખ્સોએ પુનાભાઈને ધમકાવ્યા બાદ છરી બતાવી કહ્યું કે, અવાજ કરતો નહી નહીતર તને મારી નાખશુ. ત્યારબાદ પુનાભાઈને ખાટલે બેસાડી દીધા બાદ પાર્કીંગમાંથી ઉપરના માળે જવા માટેના દરવાજા પાસે લઈ ગયા હતાં. જે દરવાજાનો નકુચો લોખંડના સળીયા વડે તોડી નાખ્યો હતો. બાદમાં પુનાભાઈને ઉપરના માળે લઈ જઈ સાઈડમાં બેસાડી દીધા બાદ ગોડાઉન અને ઓફીસ વચ્ચે આવેલો દરવાજાનો નકુચો તોડવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ તે નહીં તૂટતાં એક શખ્સ નીચે જઈ નજીકની બાંધકામ સાઈટ ઉપરથી મોટુ લાકડું લઈ આવ્યો હતો. તેના વડે ગોડાઉન અને ઓફીસમાં જવા માટેના દરવાજા વચ્ચે થોડી જગ્યા કર્યા બાદ એક શખ્સ તેમાંથી અંદર પ્રવેશ્યો હતો. બાકીના બે શખ્સો પુનાભાઈને પાર્કિંગમાં લઈ ગયા હતા. જ્યાં એક શખ્સ પુનાભાઈ ઉપર નજર રાખવા બેસી ગયો હતો. બીજો શખ્સ ગોડાઉન અને ઓફીસ ઉપર આવેલ માળ પરથી પાર્કિંગમાં માલ ઉતારવા માટેના લોખંડના લપસીયા વાટે ઉપર પહોંચ્યો હતો.
અડધી - પોણી કલાક બાદ ઉપરના માળેથી બન્ને શખ્સો લપસીયા વાટે નીચે ઉતરી ગયા હતા. આ પછી ત્રણેય શખ્સો ડેલાની બહાર નીકળી ભાગી ગયા હતા. આ ઘટનાક્રમ બાદ પુનાભાઈ પાસે મોબાઈલ ન હોવાથી તેણે બાજુમાં આવેલી ઓફિસમાં જઈ પુત્ર મયુરને કોલ કરી જાણ કરી હતી. મયુરે ગોડાઉન માલિક કલ્પેશભાઈના નાના ભાઈ ભાવેશભાઈને જાણ કરતા બધા ત્યાં પહોંચી ગયા હતા. તપાસ કરતા ઉપરના માળે આવેલી ઓફીસમાં ટેબલના ખાનામાં રાખેલા રૂા. 1.95 લાખ ગાયબ હતા.
જેથી તત્કાળ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઉપરાંત એસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસના અંતે પોલીસે ગોડાઉન માલિક કલ્પેશભાઈની ફરીયાદ પરથી લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસનો દોર જારી રાખ્યો છે.