નીતિ નિયમ વગરના પ્રોજેક્ટ હાથ ધરી નાણાનો વેડફાટ, સાયકલ પ્રોજેક્ટમાં કોઈને રસ નથી
વડોદરા, તા. 27 માર્ચ 2023 સોમવાર
રાજ્યમાં નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ પર્યાવરણનું જતન થાય તે હેતુથી સાયકલિંગના પ્રોજેક્ટના અનેક આયોજન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના પ્રોજેક્ટ ચોક્કસ નીતિ નિયમ અને જાળવણીના અભાવે નિષ્ફળ જતા સમયના વ્યય સાથે નાણાનો વેડફાટ થયો છે. આ પ્રકારના કિસ્સા રાજ્યના મોટાભાગના શહેર જિલ્લામાં સપાટી પર આવ્યા છે. તેમાં વડોદરા શહેર પણ બાકાત નથી. સાયકલિંગ પાછળ અનેક પ્રયાસ છતાં સફળતા ન મળતા સમયના વ્યય સાથે નાણાનો વેડફાટ થયો છે.
વર્ષ 2016 17 દરમ્યાન વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુવિધા અર્થે એન.એમ.વી. કોન્સેપ્ટ અંતર્ગત સાયકલ શેરીંગ પ્રોજેક્ટનું અંદાજે પાંચ કરોડના ખર્ચે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં શહેરના વિદ્યાર્થીઓ તથા હોસ્ટેલ કોલેજના વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે હેતુથી રેલવે સ્ટેશન એમએસ યુનિવર્સિટી એરીયા અને ફતેગંજ વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન હતું.
કુલ છ સ્ક્વેર કિ.મી. વિસ્તારમાં નવીન સાયકલ સ્ટેશન તથા બાઈસીકલનું આયોજન હતું. ત્યારબાદ બીજા તબક્કામાં શહેરના રાવપુરા, ન્યાયમંદિર ,માંડવી, દાંડિયા બજાર, રેલવે સ્ટેશન તથા એમ.એસ.યુનિવર્સિટી વિસ્તારમાં ૧૦ સ્ક્વેર કિ.મી. વિસ્તારમાં નવીન સાયકલ સ્ટેશન તથા બાઈસીકલનું આયોજન હતું.
આ પ્રોજેક્ટ પડતો મૂક્યા બાદ વર્ષ 2021 દરમ્યાન વડોદરા શહેરના આજવા અને વાઘોડિયાને જોડતા ટ્રેક પર સરદાર એસ્ટેટથી મહાવીર ચાર રસ્તા, સુલેમાન તીન રસ્તો, ઉમા અને વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધી અંદાજે ચાર કિલોમીટરની લંબાઈ ધરાવતા ત્રિકોણાકાર સાયકલ ટ્રેકનું 1.88 કરોડના ખર્ચે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે પાછળ નાણાં ખર્ચાઈ ગયા બાદ પણ આજદિન સુધી સ્વાસ્થ્ય પ્રેમીઓને સુવિધા મળી નથી. તેવી જ રીતે મોર્નિંગ વોકર્સને ધ્યાને રાખીને કૉર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કમાટી બાગમાં 50 જેટલી સાયકલો લાવવામાં આવી હતી. પરંતુ જાળવણીના અભાવે આ સાયકલો પર કાટ ચઢી ગયો છે, અને તેના ટાયરો પણ બેસી ગયા છે. શરૂઆતના દિવસોમાં જ તેનો ઉપયોગ થયા બાદથી આ સાયકલો ધૂળ ખાતી જોવા મળી હતી. બાગમાં સાયકલો માટે એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. પરંતુ ઉપર કોઈ શેડ બનાવ્યો ન હોવાના કારણે કોઈ જાળવણી પણ થઈ ન હતી.