Get The App

પહેલીવાર સુરત પહોંચ્યું યુદ્ધ જહાજ 'INS સુરત', હજીરામાં સ્વાગત; જાણો શું છે વિશેષતા

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
પહેલીવાર સુરત પહોંચ્યું યુદ્ધ જહાજ 'INS સુરત', હજીરામાં સ્વાગત; જાણો શું છે વિશેષતા 1 - image


'INS Surat' In Hajira : ગુજરાતના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરામાં આવેલા પોર્ટ ખાતે ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ 'INS સુરત' પહેલીવાર સુરત પહોંચ્યું છે. હજીરામાં પોર્ટ ખાતે આધુનિક યુદ્ધ તકનીકવાળું લડાયક જહાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 'INS સુરત' બે દિવસ માટે સુરત ખાતે રોકાશે. 

સુરતના હજીરા પોર્ટ ખાતે યુદ્ધ જહાજ 'INS સુરત'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદે જણાવ્યું હતું કે, 'તમામ ટૅક્નોલૉજી ધરાવતાં 'INS સુરત' જહાજ આવ્યું છે, ત્યારે અહીં બે દિવસ રોકાશે.'

INS સુરતની વિશેષતા

- છેલ્લા 25 વર્ષોમાં બનેલ સ્વદેશી ડિસ્ટ્રોયર(એક પ્રકારનું યુદ્ધજહાજ જેને સાદી ભાષામાં ‘વિનાશિકા’ કહેવામાં આવે છે)ની સરખામણીમાં INS સુરત વધુ આધુનિક છે. એક નજર નાંખીએ આ અદ્યતન જહાજની વિશેષતાઓ પર.

- INS સુરત એકથી વધુ પ્રકારના કાર્યો કરી શકે છે. તેનો ઉપયોગ ‘કેરિયર ટાસ્ક ફોર્સ’(CTF)થી લઈને ‘સરફેસ એક્શન ગ્રૂપ્સ’ (SAG) અને ‘સર્ચ એન્ડ એટેક યુનિટ્સ’ (SAU) તરીકે કરી શકાય છે. તેની બહુ-પરિમાણીય ક્ષમતાઓનો ઉપયોગ સૈન્ય, કોન્સ્ટેબલરી, રાજદ્વારી અને નૌકાદળની સૌમ્ય ભૂમિકાઓ માટે કરી શકાય છે. 

- 7,400 ટન વજન ધરાવતા INS સુરતની લંબાઈ 164 મીટર છે. 64,000 હોર્સપાવર સુધી પહોંચાડતા ચાર ગેસ ટર્બાઇન દ્વારા તે 30 નોટ્સ(લગભગ 60 કિમી પ્રતી કલાક)થી વધુ ઝડપે ગતિ કરવા સક્ષમ છે. તેની પહોંચ 7,500 કિમીની છે. 

- અત્યાધુનિક ટૅક્નોલૉજી ધરાવતી આ વિનાશિકા શસ્ત્રોના મામલે પણ અવ્વલ છે. તે સરફેસ ટુ એર મિસાઇલ (સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ), એન્ટિ-શિપ મિસાઇલ, મધ્યમ અને નજીકના અંતરે ફાયર કરવા કાર્યક્ષમ બંદૂકો, સબમરીન વિરોધી ટોર્પિડો, અને રોકેટ જેવા શસ્ત્રો ધરાવે છે. 

- તેના ફ્લાઇટ ડેક પર બે હેલિકોપ્ટર તહેનાત કરી શકાય છે. તેના પર ડ્રોન્સ પણ છે. 

- સમગ્ર જહાજમાં 17 કિમીથી વધુ લંબાઈનું જટિલ વાયરિંગ/કેબલિંગ નેટવર્ક થયું છે. નૌકાદળની વ્યૂહાત્મક કામગીરી માટે અત્યંત જરૂરી એવા સેન્સર-રડાર અને સોનાર તથા સંચાર અને નેવિગેશન માટેની અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી INS સુરત સુસજ્જ છે.

- આ જહાજમાં ઉચ્ચ પ્રકારનું ઓટોમેશન છે, જેમાં સોફ્ટવેર-વ્યાખ્યાયિત રેડિયો, કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ અને નૌકાદળની ડેટાલિંક સિસ્ટમનો સમાવેશ થાય છે. 

પહેલીવાર સુરત પહોંચ્યું યુદ્ધ જહાજ 'INS સુરત', હજીરામાં સ્વાગત; જાણો શું છે વિશેષતા 2 - image

આ પણ વાંચો: 'ગોંડલમાં ચાલતા બે નંબરના ધંધાનો પર્દાફાશ કરીશું, આ લડાઈ કોઈ સમાજની સામે નથી', અલ્પેશ કથિરિયાનું નિવેદન

INS સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ 

- આ વિનાશિકાની ડિઝાઇનમાં આત્મરક્ષણ માટેની સ્ટીલ્થ સુવિધાઓનો સમાવેશ કરાયો છે. 

- વિવિધ પ્રકારના જોખમો પારખી લેવા માટે જહાજમાં સંખ્યાબંધ સેન્સર્સ છે, જે 500 ફાયર ડિટેક્ટર સેન્સર અને 200 ફ્લડ સેન્સરથી પણ સજ્જ છે.

- પરમાણુ શસ્ત્રો, જૈવિક શસ્ત્રો અને રાસાયણિક શસ્ત્રોનો મારો થયો હોય એવા દૂષિત વાતાવરણમાં પણ આ જહાજ લડવા સક્ષમ છે. 

પહેલીવાર સુરત પહોંચ્યું યુદ્ધ જહાજ 'INS સુરત', હજીરામાં સ્વાગત; જાણો શું છે વિશેષતા 3 - image

ગુજરાતનું પ્રતિનિધિત્વ દર્શાવે છે INS સુરત

INS સુરતના ક્રેસ્ટ (જહાજના પ્રતીકચિહ્ન) પર ‘હજીરાની દીવાદાંડી’ અને ‘ગીરના સિંહ’ની છબીઓ દર્શાવવામાં આવી છે, જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. 1836માં બંધાયેલ હજીરાની દીવાદાંડી સમુદ્રની ‘પહેરેદાર’ તરીકે દેખાડી છે જ્યારે કે સિંહ વિનાશિકાની ‘આક્રમકતા’ અને ‘મજબૂતી’ દર્શાવે છે.

આ પણ વાંચો: ‘એક રાજ્ય, એક ગ્રામીણ બેંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોના 26 બેંકોનું મર્જર, જુઓ યાદી

‘INS સુરત’ની પૃષ્ઠભૂમિ 

1990ના દાયકાની શરુઆતમાં ભારતીય નૌકાદળ દ્વારા ‘પ્રોજેક્ટ 15 ડિસ્ટ્રોયર’ નામનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત વિવિધ વિનાશિકા બનાવવામાં આવી છે. ‘INS સુરત’ પ્રોજેક્ટ 15ની છેલ્લી વિનાશિકા છે. છેલ્લા ત્રણ દાયકામાં આ પ્રોજેક્ટ હેઠળ દસ જહાજો બનાવવામાં આવ્યા છે. તમામના નામ ભારતના મુખ્ય શહેરો પરથી રાખવામાં આવ્યા છે. આ સન્માન મેળવનાર શહેરો છે દિલ્હી, મૈસુર, મુંબઈ, કોલકાતા, કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, મોર્મુગાઓ, ઈમ્ફાલ અને સુરત.

Tags :