દુબઇમાં નોકરીના નામે યુવકો સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટનો સાગરીત એરપોર્ટ પર પકડાયો
વડોદરાઃ વડોદરા દુબઈમાં નોકરી અપાવવાના નામે બે વર્ષ પહેલા અનેક યુવકો સાથે કરાયેલી ઠગાઈના કેસમાં પોલીસે એક આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડયો છે.
સમા-સાવલીરોડ પર ડ્રીમ કન્સલ્ટન્સીના નામે વર્ષ-૨૦૨૩ માં દુબઈમાં મોલ, હોટલ અને જ્વેલર્સમાં ૬૦,૦૦૦ થી ૧,૮૦,૦૦૦ સુધીની નોકરી માટેની જાહેરાત જોઈ ગાંધીનગરમાં રહેતા મનોજભાઈ રાજપૂતે તેમના પુત્રને મોકલવા ૨.૨૫ લાખ આપ્યા હતા.પરંતુ સંચાલકોએ ઓફિસને તાળાં મારી દેતાં ૫૦થી વધુ યુવકોએ ૨૭.૫૦ લાખ ગૂમાવ્યા હતા.
આ બનાવમાં પોલીસે સંચાલક જેનિલ પ્રજાપતિની અગાઉ ધરપકડ કરતાં આકાશ રાજપૂતનું નામ ખૂલ્યું હતું.બે વર્ષથી તેનો પત્તો નહિ લાગતાં પોલીસે તમામ એરપોર્ટને જાણ કરી હતી.બે દિવસ પહેલાં આકાશ દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર આવતાં ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ તેની અટકાયત કરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાને જાણ કરી હતી.
પોલીસે આકાશ કમલેશભાઈ રાજપૂત (સ્વાદ ક્વાટર્સ,હરણી રોડ)ને રિમાન્ડ પર લઇ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
સંચાલકોએ હસ્તીઓને હાથે કોલ લેટર્સ આપવાનું કહી તાળાં માર્યા
ડ્રીમ કન્સલટન્સીના સંચાલકોએ દુબઇમાં નોકરી કરવા માંગતા યુવકો પાસે રૃપિયા લીધા બાદ તા.૧૦-૬-૨૩ના રોજ હોટલમાં હસ્તીઓના હાથે ટિકિટ અને કોલલેટર્સ આપવાની વાત કરી હતી.જેથી લોકો ઓફિસે ભેગા થયા હતા.પરંતુ ઓફિસ ખૂલી જ નહતી.