મહિલા પોલીસકર્મીના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂની બોટલ મળી આવી

ભરતનગર પોલીસ સ્ટેશન અને એએચટીયુના પોલીસકર્મી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
એટ્રોસિટિની ફરિયાદનો આરોપી મહિલા પોલીસકર્મીના ઘરે હોવાની બાતમીના આધારે તપાસ, આરોપીની આશરો આપવાની કલમ ઉમેરાશે
વરતેજ પોલીસ મથકમાં આજથી બે માસ પૂર્વે નોંધાયેલા એટ્રોસિટિ અને મારામારીના ગુનાના કેસનો આરોપી પાર્થ દિનેશભાઈ ધાંધલ્યા (રહે.દેવલી) ભરતનગર પોલીસ મથકના મહિલા પોલીસકર્મી નયનાબેન નાનજીભાઈ બારૈયાના રોયલ પાર્ક સિદસર-ડીમાર્ટવાળા રોડ ખાતેના રહેણાંકી મકાનમાં હાજર હોવાની બાતમીના આધારે ભાવનગર એસટી એસસી સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડની બે ટીમે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી એટ્રોસિટિના ગુનાનો આરોપી પાર્થ દિનેશભાઈ ધાંધલ્યા મળી આવ્યો હતો. ઉપરાંત ભરતનગર પોલીસ મથકના મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા અને એએચટીયુના મહિલા કોન્સ્ટેબલ ઉષાબેન ભુપતભાઈ જાની આરોપી સાથે મળી આવ્યા હતા. વધુમાં પોલીસની તપાસ દરમિયાન ઘરના લાકડાના કબાટમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી. મહિલા પોલીસકર્મીના ઘરેથી દારૂ અને આરોપી મળી આવવા મામલે એસસી-એસટી સેલના પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ભરતનગર પોલીસ મથકમાં નયનાબેન નાનજીભાઈ બારૈયા, ઉષાબેન ભુપતભાઈ જાની અને પાર્થ દિનેશભાઈ ધાંધલ્યા સામે ગુનો નોંધી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીની આશરો આપવાની કલમ ઉમેરાશે
મહિલા પોલીસ કર્મચારીના ઘરમાંથી દારૂ અને વોન્ટેડ આરોપી મળી આવવાના આ ચકચારી કેસમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ-૨૪૯ મુજબ આરોપીને આશરો આપવાની કલમ ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.









