Get The App

વાંકાનેર 2 કલાકમાં 2 ઈંચ : વેરાવળમાં 57 કિ.મી. ઝડપે પવન : દરિયો તોફાની

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
વાંકાનેર 2 કલાકમાં 2 ઈંચ : વેરાવળમાં 57 કિ.મી. ઝડપે પવન : દરિયો તોફાની 1 - image


મોરબી, અમરેલી, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિ.માં ધોધમાર : આજે રાજકોટ, ગાંધીનગર, જુનાગઢ, સુરત, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સહિત 23  જિલ્લાઓમાં યલો એલર્ટ, ગુજરાતના દરિયા કાંઠે નહીં જવા ચેતવણી 

રાજકોટ, : સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર ચક્રવાતી પરિસંચરણ સહિત પરિબળોથી ગઈકાલે જામનગરના જોડિયામાં 7.50 ઈંચ, કાલાવાડમાં 5 ઈંચ અને જુનાગઢ જિ.ના મેંદરડામાં 6 ઈંચ અને કેશોદ,વંથલીમાં પાંચથી સાડાપાંચ ઈંચ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યા બાદ આજે પણ વ્યાપક સ્થળોએ વરસાદ જારી રહ્યો હતો. આજે રાત્રિના આઠ સુધીમાં વાંકાનેરમાં બપોર બાદ 2થી 4 ઈંચ સહિત સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ મોરબી, અમરેલી, જુનાગઢ, રાજકોટ, સોમનાથ, ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અર્ધાથી બે ઈંચ વ્યાપક વરસાદ વરસવા સાથે સોમનાથ વેરાવળમાં ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 57 કિ.મી.ની ઝડપે પવન, મીની વાવાઝોડુ ફૂંકાયાનું નોંધાયું છે. 

ગઈકાલે રવિવારે સોમનાથ દાદાના દર્શનાર્થે ગુજરાતીઓ તેમજ પરપ્રાંતીય ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા ત્યારે સાંજના સમયે વરસાદની સાથે અતિ તીવ્ર પવન ફૂંકાવા સાથે દરિયો ગાંડોતૂર થયો હતો. વરસાદનું જોર એટલું હતું કે દર્શનાર્થીઓ મંદિરના વિશાળ પરિસરમાં વરસાદથી બચવા છત્રી સાચવવી મૂશ્કેલ પડતી હતી. ભાવિકોએ ભીંજાતા શરીર સાથે ભોળાનાથના ભાવથી દર્શન કર્યા હતા. 

સૌરાષ્ટ્રમાં આજે રાત્રિ સુધીમાં વાંકાનેર ઉપરાંત ઉમરાળા, વિસાવદર, તાલાલામાં 2 ઈંચ, રાજકોટ જિ.ના વિંછીયામાં દોઢ ઈંચ, ઉપરાંત સાવરકુંડલા, ગારિયાધર, ભેંસાણ, ધારી, ગીર ગઢડા, લિલીયા, ઉના, ધ્રોલ, મહુવા, બોટાદ, થાનગઢ, વલ્લભીપુર, જાફરાબાદ પંથકમાં એક ઈંચ, માળિયા હાટીના, જામજોધપુર, ગોંડલ, પડધરી, સાયલા,રાજુલા, લખતર, સૂત્રાપાડા, બાબરા, બગસરા વગેરે તાલુકામાં સરેરાશ અર્ધો ઈંચ,  વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં ઝાપટાં સહિત આજે દિવસના 14 કલાકમાં કૂલ 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

આવતીકાલ તા. 24ના મંગળવારે સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લા અને દિવમાં તથા ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, મહીસાગર, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લા અને દમણ પ્રદેશ સહિત રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી (યલો એલર્ટ) જારી કરાયું છે. આ વરસાદનું જોર આગામી એક સપ્તાહ સુધી જારી રહી શકે છે. 

Tags :