Gujarat

વઢવાણ ધોળીપોળ પુલ 13 વર્ષમાં જ જર્જરિત બન્યો-રોડ પર સળિયા દેખાયા

By GS TEAM
26 Aug 20252 mins read
વઢવાણ ધોળીપોળ પુલ 13 વર્ષમાં જ જર્જરિત બન્યો-રોડ પર સળિયા દેખાયા

પુલની બાજુમાં રજવાડા સમયનો ૧૦૦ વર્ષનો જુનો પુલ અડીખમ

પંદર દિવસ પહેલા ફૂટપાથ પર સળિયા દેખાતા રિપેરિંગ હાથ ધરાયું હતું ઃ તાકિદે રિપેરિંગ હાથ ધરવા માંગ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો ઘોળીપોળ પુલ ૨૦૧૨માં તંત્ર દ્વારા લાખોના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે આ પુલ પરથી લીંબડી, ધંધુકા, ભાવનગર અને અમદાવાદ તરફ મોટીસંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે પરંતુ તાજેતરમાં આ પુલ પર ગાબડા પડી જતાં બિસ્માર હાલતમાં હોય અનેક વાહનચાલકો, વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહિશોને ભારે હાલાકી પડી રહી છે.

વઢવાણ શહેરના પ્રવેશદ્વાર સમાન ગેબનશાપીર સર્કલથી ધોળીપોળ તરફ જવાના ૨ પુલ આવેલા છે. જેમાં એક નવો પુલ તેમજ એક જૂના પુલ છે. નવા પુલ ઉપર દિવસ-રાત રાહદારીઓ, વાહનચાલકો પસાર થઇ રહ્યા છે. આ બંને પુલો ભોગાવા નદી ઉપરથી પસાર થાય છે. વઢવાણ રાજવી પરિવારના રાજબાઇએ બનાવેલો પુલ ૧૦૦ વર્ષે પણ ઊભો છે. જ્યારે નવાને માત્ર ૧૩ વર્ષમાં જ જર્જરિત થવાનો પ્રારંભ થઇ ગયો છે.

રોડ પર અનેક જગ્યાએ ગાબડા પડયા છે  બંને બાજુની ફૂટપાટ ઉપર પણ સળિયા દેખાતા હતા પરંતુ તંત્ર દ્વારા આશરે ૧૫ દિવસ પહેલા રીપેરીંગ કામ હાથ ધરી અને જ્યાં સળિયા દેખાતા હતા ત્યાં પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. તંત્રણે ભ્રષ્ટાચાર છુપાવવા માટે પ્લાસ્ટર તો કર્યું પરંતુ હવે પુલના રોડ પર પણ સળિયા દેખાવા લાગ્યા છે જેને લઈને પુલના નિર્માણ કામ સામે સવાલ ઊભા થાય છે. આ પુલ ઉપર રોજ ૧૦ હજારથી વધુ વાહનો પસાર થાય છે.

પુલ પર દર વખતે સળિયા દેખાતા સમારકામ કરી અને ભ્રષ્ટાચાર તંત્ર છુપાવતું હોય છે પરંતુ કોઈ મોટી જાનહાની સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલને તાત્કાલિક રિપેરીંગ કરી મજબૂતાઇ આપવાની માગ છે.